જામનગર તાલુકાના ચેલા ગામના પાટિયા નજીકથી પસાર થતાં બાઇક સવાર સ્લીપ થઇને ખાડામાં પડતાં ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં રહેતો નવાઝ સિદિકભાઇ સમા (ઉ.વ.25) નામનો યુવાન ગતરાત્રીના સમયે તેના બાઇક પર જામનગરથી લાલપુર રોડ પર જતો હતો ત્યારે ચેલા ગામના પાટિયા નજીક પહોંચ્યો ત્યારે રસ્તામાં આવેલા ખાડામાંથી બાઇક પસાર થતાં બાઇક સાથે ખાબકયો હતો. જેના કારણે યુવાનને શરીરે તેમજ માથામાં ગંભીર ઇજા પહોંચતા બેશુઘ્ધ થઇ ગયો હતો. ત્યારબાદ યુવાનને જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યૂ હતું. બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનો અને સમાજના આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. બનાવની જાણના આધારે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટાફે યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


