ખંભાળિયા તાલુકાના આથમણા બારા ગામે રહેતી એક યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. મૃતક યુવતીની બહેનપણીએ આપઘાત કરી લીધા બાદ આ પ્રકરણ પછી મૃતક યુવતી તેમજ તેમના ભાઈ પર થતા આક્ષેપોથી વ્યથિત હાલતમાં તેણીએ ઉપરોક્ત પગલું ભર્યું હોવા અંગેનો વિડીયો પણ તેણીએ બનાવ્યો હતો. આ પ્રકરણમાં મહિલાઓ સહિત સાત શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત બાદ તેઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ખંભાળિયા તાલુકાના ચાર બારા વિસ્તારમાં આવેલા આથમણા બારા ખાતે રહેતા હરપાલસિંહ મહીપતસિંહ પરમાર (ઉ.વ. 20) એ આ જ વિસ્તારમાં રહેતા ભીખુભા ઉમેદસંગ જાડેજા, રાજેન્દ્રસિંહ નવુભા પરમાર, નટુભા દેવુભા પરમાર, ભગીરથસિંહ નટુભા પરમાર, માનકુંવરબા નટુભા પરમાર, મોહબતસિંહ જોરુભા જાડેજા અને પૂજાબા મોહબતસિંહ જાડેજા નામના કુલ આઠ વ્યક્તિઓ સામે સલાયા મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ વીસેક દિવસ પૂર્વે ફરિયાદી હરપાલસિંહના કુટુંબી ભાઈ રાજેન્દ્રસિંહ નવુભા પરમાર સાથે ફરિયાદીના ભાઈ જયપાલસિંહને સામાન્ય બોલાચાલી થઈ હતી. તે જ રાત્રે રાજેન્દ્રસિંહના પત્ની ધર્મિષ્ઠાબાએ દવા પી લેતા ગત તારીખ 30 જૂનના રોજ ધર્મિષ્ઠાબાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
ફરિયાદી હરપાલસિંહના બહેન ઇલાબા ઉર્ફે કુસુમબા મહિપતસિંહ વિભાજી પરમાર (ઉ.વ. 24) મૃતક ધર્મિષ્ઠાબાના ખાસ બહેનપણી હતા. આ દરમિયાન ધર્મિષ્ઠાબાના આપઘાત પછી તેણીના પતિ રાજેન્દ્રસિંહએ ફરિયાદી હરપાલસિંહના ભાઈ જયપાલસિંહ વિરુઘ્ધ સલાયા મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેમણે જણાવેલ કે જયપાલસિંહએ તેની સાથે ઝઘડો કર્યો હતો, એટલે ધર્મિષ્ઠાબાએ દવા પી ને આપઘાત કરી લીધો છે. આ પછી ઈલાબા ઉર્ફે કુસુમબા પરમારએ પોતાના ઘરે પોતાના હાથે રૂમની છતમાં લાકડાની આડીમાં સાડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આપઘાત પૂર્વે મૃતક ઇલાબા ઉર્ફે કુસુમબાએ બનાવેલો એક વિડિયો તેણીના પરિવારજનોને સાંપળ્યો હતો.
આ સંદર્ભે હરપાલસિંહ મહિપતસિંહ પરમાર દ્વારા નોંધાવવામાં આવેલી ઉપરોક્ત ફરિયાદમાં જણાવાયું છે કે ધર્મિષ્ઠાબાના અવસાન પછી તેણીના પતિ રાજેન્દ્રસિંહએ ધર્મિષ્ઠાબાના મોબાઈલમાંથી ફરિયાદી હરપાલસિંહના બહેન કુસુમબા તેમજ ધર્મિષ્ઠાબાએ મજાક મસ્તીમાં જે વાતો કરી હતી, તેના શંકા ઉપજાવે તેવા અડધા મેસેજના સ્ક્રીનશોટ લઈને ભીખુભાને આપ્યા હતા. આ પછી આરોપીઓએ ગામમાં સ્ક્રીનશોટ બતાવી તેઓની બદનામી કરતા હતા અને મૃતક યુવતીએ પોતાના ભાઈની બદનામી સહન ન થતા તેણીએ ઉપરોક્ત પગલું કર્યું હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આમ, પોતાની બહેનને મરી જવા માટે મજબૂર કરવામાં આવતા તેણીએ મોબાઇલમાં વિડીયો બનાવીને પોતાના ઘરે આપઘાત કર્યો હોવાનું હરપાલસિંહ પરમારની પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે સલાયા મરીન પોલીસે મહિલાઓ સહિત તમામ સાત આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 તથા 54 મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી કરી હતી. સલાયાના પી.આઈ. રાણાની ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરી, આરોપીને અટકાયત બાદ સ્થાનિક કોર્ટમાં રજુ કરવામાં આવતા અદાલત દ્વારા આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ સમગ્ર બનાવે ચારબારા વિસ્તારમાં ભારે ચર્ચા સાથે અરેરાટી પ્રસરાવી છે.


