જામનગરના પટ્ટણીવાડ વિસ્તારમાં જર્જરીત બે માળમાં મકાનનું જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. એસ્ટેટ શાખા દ્વારા પીજીવીસીએલ સહિતની ટીમોને સાથે રાખી આ કામગીરી કરવામાં આવી હતી.
જામનગર શહેરના પટ્ટણીવાડ વિસ્તારમાં તાજેતરમાં જુનવાણી મકાન ધરાશાયી થયાની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત શનિવારે બપોરના સમયે શહેરના પંચેશ્વર ટાવર નજીક આવેલ વંડાફળી વિસ્તારમાં પણ એક મકાનની છતનો અમુક હિસ્સો ધડાકાભેર તુટી પડયો હતો. જોકે સદ્દભાગ્યે કોઇ જાનહાની થઇ ન હતી. ટુંક સમયમાં થયેલી આ ઘટનાઓને લઇ જામનગર મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. શનિવારે જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલ પાંચ હાટડી વિસ્તારમાં બે માળના જર્જરીત જુનવાણી મકાનનો હિસ્સો તોડી પાડવા જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.


