જામનગર તાલુકાના ખીમલિયા ગામમાં રહેતાં યુવાને હાથ ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરવા જતાં દંપતિ સહિતના ત્રણ શખ્સોએ પાવડા વડે યુવાન ઉપર હુમલો કરી પછાડી દઇ દોરી વડે હાથ-પગ બાંધી દીધા બાદ પાવડા વડે આડેધડ માર માર્યો હતો. જ્યારે સામા પક્ષે યુવાન ઉપર ઉઘરાણી કરવા આવેલા શખ્સે છરીનો ઘા ઝિંકી ઇજા પહોંચાડી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં મોરકંડા રોડ પર આવેલા અનમોલ પાર્કમાં રહેતા અને જમીન-મકાનનો વ્યવસાય કરતાં ફીરોઝભાઇ અલ્લારખાભાઇ દલ નામના યુવાને ખીમલિયા ગામમાં રહેતા અનવર અલારખા આસાણીને હાથઉછીના રૂા. 20 હજાર આપ્યા હતા. આ ઉછીની આપેલી રકમની ઉઘરાણી માટે ફિરોઝ ગુરૂવારે બપોરના સમયે અનવરના ઘરે ગયો હતો. ત્યારે અનવર આસાણી, અફસાનાબેન અનવર આસાણી, અલ્લારખા ઉર્ફે બાબુ નુરમામદ આસાણી નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી અનવર તથા તેની પત્નીએ પાવડા વડે ફીરોઝ ઉપર હુમલો કરવા જતાં ફીરોઝ ભાગવા લાગ્યો હતો. જેથી દંપતિએ પાવડાનો ઘા મારી ફીરોઝને પછાડી દીધો હતો. ત્યારબાદ ત્રણેય શખ્સોએ ફીરોઝના હાથ-પગ દોરી વડે બાંધી દઇ પાવડા વડે આડેધડ માર મારી શરીરે તથા માથામાં ઇજા પહોંચાડી હતી.
સામાપક્ષે હાથઉછીના રૂા. 20 હજારની ઉઘરાણી કરવા આવેલા ફિરોઝ દલને અનવરે હાલ રુપિયા હાથ પર નહીં હોવાનું અને સગવડ થયે પરત આપવાનું કહેતા ઉશ્કેરાયેલા ફિરોઝે અનવર તથા તેના પરિવારને ગાળો કાઢી છરીનો ઘા ગાલ પર ઝીંકી દેતાં ઇજા પહોંચી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા બન્ને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ત્યાં બનાવની જાણના આધારે એએસઆઇ ડી. જી. ઝાલા તથા સ્ટાફે સામસામી ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


