ગુજરાતના રીયલ એસ્ટેટ અને ઔદ્યોગિક ક્ષેત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે તેવી ઘટનાઓના પગલાં હેઠળ અદાણી ગ્રુપના મહત્વના નિયામક પ્રણવ અદાણી જામનગર પહોંચ્યા હતા. તેઓએ જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી.
આ મુલાકાત અને આંતરિક ચર્ચાઓ પછી એ સમાચાર મળ્યા છે કે, અદાણી ગ્રુપ આગામી સમયમાં જામનગરના રીયલ એસ્ટેટ અને ઔદ્યોગિક ક્ષેત્રે મોટા મૂડીરોકાણની યોજના બનાવી શકે છે. અદાણી ગૃપ અને જામસાહેબની મુલાકાત બાદ જ વર્તુળોમાં ચર્ચા છે કે, અદાણી ગ્રુપ જામનગરમાં નવી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ શરૂ કરી શકે છે. જેમાં રીઅલ એસ્ટેટ ડેવલપમેન્ટ, બંદર વ્યવસાય, જેટી, પાવર પ્રોજેકટ, દરીયાઈ વિસ્તારમાં વિકાસ, લોજિસ્ટિક્સ હબ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો સમાવેશ થઈ શકે છે.
જામનગરની ભૌગોલિક સ્થિતિ દરીયાઈ વેપાર માટે અત્યંત અનુકૂળ છે. હાલ રિલાયન્સ, નયારા ઓઈલ રિફાઇનરી જેવી મહાકાય ઔદ્યોગિક એકમો અહીં કાર્યરત છે. આવા ઔદ્યોગિક માળખા વચ્ચે જો અદાણી ગ્રુપ પણ પ્રવેશ કરે તો સમગ્ર વિસ્તારના ઔદ્યોગિક અને અવસરસભર્યા દિશામા વિકાષના નવા આયામો ખુલ્લી શકે છે અને આગામી સમયમાં જામનગર આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે વધુ પ્રગતિ કરે તેવી શક્યતાઓ ઉજળી બની ગઇ છે.
જામનગર નજીક આવેલા વનતારાના કારણે દેશ-વિદેશના પ્રતિનિધિઓ અને રાજકીય આગેવાનો, નેતાઓ, સેલેબ્રિટિઓ અવારનવાર મુલાકાત લેવા આવતા હોય છે. જેના કારણે આગામી સમયમાં જામનગરમાં આંતરરાષ્ટ્રિય એરપોર્ટની સુવિધા મળવાની શક્યતાઓ પણ વધુ મજબૂત બની ગઇ છે.
રિલાયન્સ ગૃપ બાદ હવે અદાણી ગ્રુપના આગમનથી જામનગરના યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે તથા સમગ્ર વિસ્તારમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ વેગ પકડે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. સાથે જામનગર તથા આસપાસના વિસ્તારનો વિકાસ વધુ વેગ પકડે તેવા સંકેતો મળી રહ્યા છે. સાંસ્કૃતિક, ઔદ્યોગિક અને ભવિષ્યની દ્રષ્ટિએ આ મુલાકાત અત્યંત મહત્વની ગણાવાઈ રહી છે. અદાણી અને જામસાહેબની આ મુલાકાત જામનગરના વિકાસમાં નવો માઇલસ્ટોન સાબિત થઈ શકે છે.
હાલ જામનગર ગુજરાત અને દેશમાં ઔદ્યોગિક હબ તરીકે ઓળખી શકાય તેવી દિશામાં આગળ વધી રહ્યો છે. રિલાયન્સ અને નયારા જેવી વૈશ્વિક સ્તરના ઔદ્યોગિક દૈત્યોના કારણે શહેરના ઔદ્યોગિક માળખામાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. આવા સમયે વિશ્વના સૌથી ધનિષ્ઠ ઉદ્યોગ જૂથોમાંથી એક ગણાતા અદાણી ગ્રુપ જો જામનગરમાં ઔદ્યોગિક ક્ષેત્રે રોકાણ કરશે તો તે માત્ર સ્થાનિક નહીં, પરંતુ વિશ્વ ફલક પર પણ જામનગરને ઔદ્યોગિક ક્ષેત્રે એક નવી ઓળખ આપી શકે છે. અદાણી ગ્રુપની વિઝન અને ભવિષ્યદ્રષ્ટિ સાથે જો જામનગરના રીઅલ એસ્ટેટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે વિકસાવવાની યોજના આગળ વધે, તો આગામી દાયકામાં જામનગર ‘ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ ડેસ્ટિનેશન’ તરીકે ઉદ્ભવી શકે છે.
આની સાથે જ સ્થાનિક સ્તરે રોજગારીમાં વધારો, નવી ટેકનોલોજી અને સ્કીલ ડેવલપમેન્ટના અભિયાન શરૂ થવાની પણ શક્યતા છે. આમ, અદાણી ગ્રુપના આગમનથી જામનગરના ઔદ્યોગિક વિકાસને વૈશ્વિક વેગ મળશે અને શહેરનું નામ આંતરરાષ્ટ્રીય નકશા પર ઊંચાઈએ પહોંચશે.


