જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર 3 અને રોડ નંબર 4માં આવેલા બંધ મકાનમાં તસ્કરોએ તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા. 2.55 લાખની માલમતાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ચોરીના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ખોડિયાર કોલોની, રોયલ એન્કલેવમાં રહેતાં તથા હોટલનો વ્યવસાય કરતાં હિનાબેન દીપકભાઇ ભટ્ટ નામના વૃદ્ધાના પટેલ કોલોની શેરી નંબર ત્રણ અને રોડ નંબર ચારમાં વિક્રમ એપાર્ટમેન્ટ સામે આવેલા ‘અમૃતકુંજ’ નામના ગત્ તા. 17 જુનથી 5 જુલાઇ સુધી બંધ રહેલા મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યું હતું. લોખંડની નાની ડેલીનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી લાકડાના દરવાજાના તાળા નકૂચા સહિત તોડી નાખી મકાનમાં પ્રવેશ કર્યો હતો. રૂમમાં રહેલા લોખંડના કબાટની તિજોરી તોડી તેમાં રાખેલી રૂા. 35 હજારની કિંમતની સોનાની હીરાની બુટી એક જોડી 6 ગ્રામ વજનની, રૂા. 70 હજારની કિંમતના 10 ગ્રામ વજનના સોનાના બે કડાં, રૂા. 70 હજારની કિંમતની 10 ગ્રામ વજનની સોનાની ચાર વિંટી, રૂા. 50 હજારની કિંમતના ચાંદીની થાળી, વાટકો, ગ્લાસ, ચમચી અને ચાંદીની ગણપતિની મૂર્તિ, ચાંદીના સાડા સાતસો ગ્રામના વજનના 10 સિક્કા અને રૂા. 30 હજારની રોકડ રકમ મળી કુલ રૂપિયા 2,55,000ની કિંમતની માલમત્તાની ચોરી કરી ગયા હતા.
ચોરીના આ બનાવ અંગે વૃદ્ધા દ્વારા જાણ કરાતા પીઆઇ પી. પી. ઝા તથા સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને અજાણ્યા તસ્કરો વિરૂઘ્ધ ચોરીનો ગુનો નોંધી ગુનાશોધક શ્ર્વાન તથા એફએસએલની મદદ વડે તસ્કરોનું પગેરૂ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.


