જામનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ વધતું જાય છે. જેમાં છેલ્લા 24 કલાક દરમ્યાન જામનગર શહેરમાં 5 અને ગ્રામ્ય વિસ્તારમાં 2 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
રાજ્યમાં આ વખતે કોરોના સંક્રમણ ધીમું ધીમું ફેલાઇ રહ્યું છે. દેશભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધતી જાય છે. તેમજ દેશભરમાં નવા કોરોના વાયરસમાં સાત જેટલા લોકોના મોત નિપજયા છે. જામનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ ક્રમશ: વધી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમ્યાન જામનગર શહેરના વિસ્તારોમાં નવા પાંચ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 139 પહોંચી છે. પાંચ દર્દીઓની તબિયત સારી થઇ જતાં તેમને રજા આપવામાં આવી હતી. જ્યારે 44 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જામનગર શહેરમાં પાંચ કોરોના પોઝિટિવ કેસમાં વીરલ બાગ વિસ્તારમાં રહેતી 14 વર્ષની બાળકી, લાલવાડી વિસ્તારમાં 26 વર્ષની યુવતી, સ્વસ્તિક સોસાયટીમાં 32 વર્ષનો યુવાન, પંચવટી ગૌશાળા વિસ્તારમાં 38 વર્ષિય મહિલા અને દિગ્વિજય પ્લોટમાં રહેતાં 43 વર્ષીય પુરૂષના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
તેમજ જામનગર જિલ્લામાં ગઇકાલે સાંજે નવા બે પોઝિટિવ કેસ નોંધાયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 13 થયો છે. ગઇકાલે બે વ્યકિતઓની તબિયત સારી થઇ જતાં રજા આપવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારમાં કુલ 9 દર્દીઓ સાજા થયા છે. હોમ આઇસોલેશનમાં 4 દર્દીઓ સારવાર હેઠળ છે. ગ્રામ્ય વિસ્તારમાં કાલાવડ તાલુકાના મુળીલા ગામની 28 વર્ષીય યુવતી અને અલિયાબાડા તાલુકાના 70 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.


