જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત તા. 22 જૂનના રોજ મતદાન યોજાનાર છે. કુલ 187 ગ્રામ પંચાયતો માટે 426 મતદાન મથકો નકકી કરાયા છે. જ્યાં મતદાન યોજાશે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાયા બાદ તા. 25 જૂનના મતગણતરી હાથ ધરવામાં આવશે. 426 મતદાન મથકોમાં કુલ 2244 જેટલા સ્ટાફને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે. પોલીસ પણ કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તૈનાત રહેશે. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા ચૂંટણીની માહિતી પત્રકારોને આપવામાં આવી હતી.
જામનગર જિલ્લામાં આવેલ ધ્રોલ, કાલાવડ, જામજોધપુર, જામનગર, લાલપુર તથા જોડિયા તાલુકાઓની સામાન્ય/વિભાજન/મઘ્યસત્ર/પેટાચૂંટણીઓ તા. 22 જૂનના રોજ યોજાનાર છે. ગ્રામ પંચાયત ચૂંટણી 2025 અન્વયે જામનગર જિલ્લામાં કુલ 326 ગ્રામ પંચાયતની ચૂંટણીના જાહેરનામા પ્રસિઘ્ધ કરાયા હતા. જેમાં હાલમાં ગ્રામ પંચાયતોમાં 174 સામાન્ય, 6 વિભાજનવાળી, 1 મધ્યસત્ર તથા 6 પેટાચૂંટણી એમ કુલ 187 ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાનાર છે. જામનગર જિલ્લામાં કુલ 60 ગ્રામ પંચાયતો સંપૂર્ણ સમરસ થઇ છે. જ્યારે 79 ગ્રામ પંચાયતોમાં અમુક બેઠકો બિનહરીફ થવાથી તેમજ અમુક બેઠકો ખાલી રહેવાથી મતદાન યોજાનાર નથી. હરિફાઇમાં રહેલ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે કુલ 426 મતદાન મથકો નકકી કરવામાં આવ્યા છે. જે પૈકી 101 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે.
આ તા. 22ના રોજ યોજાનાર ચૂંટણીમાં સરપંચ તથા વોર્ડની બેઠક માટે અંદાજિત 2,26,386 પુરૂષ મતદારો તથા 2,16,178 સ્ત્રી મતદારો સહિત કુલ 4,42,577 મતદારો મતદાન કરશે. ગ્રામ પંચાયતોની ચૂંટણી અન્વયે કુલ 18 ઝોનલ રૂટ નકકી કરાયા છે. જેમાં રિઝર્વ સહિત 69 ઝોનલ/મદદનીશ ઝોનલની નિમણૂંક કરવામાં આવી છે. જિલ્લામાં સમાવિષ્ટ કુલ 6 તાલુકાના 426 મતદાન મથકોમાં કુલ 2244 જેટલા સ્ટાફને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે. મતગણતરી કેન્દ્ર ખાતે કુલ 340 સ્ટાફને મતગણતરી ફરજ સોંપાશે. ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતોની મતદારયાદીમાં નોંધાયેલ કુલ 123 સેવા મતદારોને ટપાલ મારફતે મતપત્રો ઇસ્યૂ કરાશે.
તા. 22ના સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાનાર મતદાનને લઇ 6 જેટલા એસપી, ડીવાયએસપી, 20 જેટલા પીઆઇ, 41 જેટલા પીએસઆઇ, 500 જેટલા પોલીસ કર્મચારીઓ, 700 જેટલા હોમગાર્ડઝ અને જીઆરડી જવાનો સહિતના જવાનો ચૂંટણીમાં ફરજ પર તૈનાત રહેશે. આ ઉપરાંત જિલ્લામાં નકકી કરવામાં આવેલ 6 સ્ટ્રોંગ રૂમ તથા 6 મતગણતરી કેન્દ્ર ખાતે અંદાજે 240 પોલીસ ફોર્સ તથા 300 હોમગાર્ડઝ ડીપ્લોય કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં 2 હજાર જેટલા શખ્સો વિરૂઘ્ધ પોલીસ દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. તેમજ બે શખ્સોને તડીપાર કરવામાં આવ્યા છે. 864 જેટલા હથિયારો પણ જમા થઇ ચૂકયા છે. જિલ્લાકક્ષાએ ચૂંટણી અંગેની ફરિયાદો માટે રાઉન્ડ-ધ-ક્લોક ક્ધટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. જિલ્લાકક્ષાના ક્ધટ્રોલ રૂમનો નંબર 0288-2541960 છે.
ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદાન કરવા માટે કોઇ મતદાર ફોટો ઓળખપત્ર (ઇપીઆઇસી) રજૂ ન કરી શકે તો અન્ય પુરાવાઓને પણ માન્ય પુરાવા તરીકે જાહેર કરાયા છે. જેમાં ફોટા સાથેનો પાસપોર્ટ, ફોટા સાથેનું ડ્રાઇવીંગ લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્યુ થયેલ), ફોટા સાથેનું ઈન્કમટેક્ષ (ઙઅગ) ઓળખકાર્ડ, રાજય સરકાર/કેન્દ્ર સરકાર/જાહેર સાહસો અથવા પબ્લીક લીમીટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટા સાથેના ઓળખકાર્ડ, પબ્લીક સેક્ટર બેન્કો અને પોસ્ટ ઓફીસ તરફથી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઈસ્યુ થયેલ), અનુસૂચિત જાતિ/અનુસૂચિત આદીજાતિ/અન્ય પછાત વર્ગ (ઘઇઈ)નું સક્ષમ અધિકારીનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્યુ થયેલ), ફોટા સાથેના પેન્શન પ્રમાણપત્રો જેવા કે માજી સૈનિકોની પેન્શનબુક / પેન્શન પેમેન્ટ ઓર્ડર/માજી સૈનિકની વિધવા/આશ્રિતોના પ્રમાણપત્રો/મોટી ઉંમરની વ્યક્તિના પેન્શન ઓર્ડર, વિધવા પેન્શન ઓર્ડર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્યુ થયેલ), કેન્દ્ર સરકાર/ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ સ્વતંત્રતા સૈનિકના ફોટા સાથેના ઓળખકાર્ડ, ફોટા સાથેના હથિયારોના લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્યુ થયેલ), સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ વિકલાંગનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્યુ થયેલ), રાષ્ટ્રીય ગ્રામિણ રોજગારી બહિધરી યોજના (ખગછઊૠજ) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેના જોબકાર્ડ, (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્યુ થયેલ), કર્મચારી રાજય વિમા યોજના (ઊજઈં) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેના ઓળખકાર્ડ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્યુ થયેલ), નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (ગઙછ) સ્કીમ હેઠળ છૠઈં દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ, ઞઈંઉઅઈં દ્વારા આપવામાં આવેલ આધારકાર્ડ માન્ય રહેશે.
આ પત્રકાર પરિષદમાં જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદી, જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેક્ટર ભાવેશ ખેર, જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.
6 તાલુકામાં 6 સ્થળોએ મતગણતરી હાથ ધરાશે
જામનગર જિલ્લાની કુલ 187 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું તા. 22ના રોજ મતદાન યોજાયા બાદ તા. 25 જુનના મતગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં જામનગર તાલુકાની ડીકેવી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ-જામનગર ખાતે, કાલાવડ તાલુકા માટે જેપીએસ સ્કૂલ-કાલાવડ ખાતે, લાલપુર તાલુકા માટે સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ-લાલપુર ખાતે, જામજોધપુર તાલુકા માટે એવીડીએસ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગીંગણી રોડ, જામજોધપુર ખાતે, ધ્રોલ તાલુકા માટે હરધ્રોળ હાઇસ્કૂલ-ધ્રોલ ખાતે તથા જોડિયા તાલુકા માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા-જોડિયા ખાતે મતગણતરી યોજાશે.


