જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી ફેઇઝ 3માં આવેલા બ્રાસપાર્ટના કારખાનાની ભઠ્ઠીમાં ચાર દિવસ પહેલાં થયેલા બ્લાસ્ટમાં દાઝી ગયેલા ચાર શ્રમિકો પૈકીના એક શ્રમિકનું સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી ફેઇઝ 3માં આવેલા પ્લોટ નંબર 3662માં આવેલા શાંતિ મેટલ બ્રાસપાર્ટના કારખાનામાં ગત્ તા. 15ના રોજ સાંજના સમયે પિત્તળની ભઠ્ઠીમાં અચાનક બ્લાસ્ટ થતાં મજૂરીકામ કરી રહેલા અનિલ રાજેશભાઇ કમલ (ઉ.વ.30), સંજય પાસમલ (ઉ.વ.36), વિજયકુમાર તેજપાલ (ઉ.વ.21) અને સોમપાલ (ઉ.વ.22) નામના ચાર શ્રમિકો ઉપર પિત્તળના બ્રાસનો ગરમ રસ ઉડતાં શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્યારબાદ ચારેય દાઝી ગયેલા શ્રમિકોને 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ ચાર પૈકીના વિજયપાલ તેજરામ રાજપૂત (ઉ.વ.21) (રે. ઉત્તરપ્રદેશ) નામના યુવકની હાલત નાજૂક હતી. દરમિયાન બુધવારે વિજયપાલે સારવાર દરમ્યાન દમ તોડી દેતાં પીએસઆઇ એચ. વી. રોયલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


