દ્વારકા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા બે દિવસ મેઘસવારી અવિરત રીતે જારી રહી હતી. ખંભાળિયા તાલુકામાં ગઈકાલે મંગળવારે દિવસ દરમિયાન સર્જાયેલા વરસાદી માહોલ વચ્ચે સાંજે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને દોઢ કલાક જેટલા સમય ગાળામાં દોઢ ઈંચ સાથે કુલ 41 મી.મી. પાણી પડી ગયું હતું.
ખંભાળિયામાં મોસમના પ્રથમ વખત આ ધોધમાર વરસાદના પગલે શહેરના માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા. શહેરની પોસ એવી રામનાથ સોસાયટીના મુખ્ય માર્ગ પર થોડો સમય પાણી ભરાઈ ગયા હતા. જ્યારે અહીંના પોસ્ટ ઓફિસ રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીંના રેલવે સ્ટેશન રોડ, ચાર રસ્તા વિગેરે સ્થળોએ પાણી ચાલી નીકળ્યા હતા.
View this post on Instagram
ખંભાળિયાના શહેર નજીકના રામનગર, હર્ષદપુર અને ધરમપુર ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે શહેરીજનોને કાળજાળ ગરમીમાંથી રાહત મળી હતી. ગત સાંજે પણ શહેરના જુદા જુદા વિસ્તારોમાં લાંબો સમય વીજ પુરવઠો ખવાઈ ગયો હતો. આ સાથે કલ્યાણપુર તાલુકામાં મંગળવારે દિવસ દરમિયાન ભારે ઝાપટા રૂપે બે ઈંચથી વધુ (52 મી.મી.) જ્યારે દ્વારકા તાલુકામાં ગતરાત્રે ધોધમાર સવા ઈંચ સહિત 24 કલાકમાં કુલ 44 મી.મી. પાણી પડી ગયું હતું. ભાણવડ પંથકમાં ધીમીધારે માત્ર 11 મી.મી. પાણી વરસી જવા પામ્યું છે.
આજે સવારે 8 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન કલ્યાણપુરમાં 119 મી.મી., દ્વારકામાં 94 મી.મી., ખંભાળિયામાં 69 મી.મી. અને ભાણવડમાં 55 મી.મી. સહિત જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ 84.25 મીલીમીટર થવા પામ્યો છે. આજે પણ સવારથી બફારાભર્યા વાતાવરણ વચ્ચે વાદળોની જમાવટ રહી હતી અને કેટલાક વિસ્તારોમાં અમીછાંટણા પણ વરસ્યા હતા. સાર્વત્રિક વરસાદના પગલે નાના જળાશયોમાં નવા નીરની આવક શરૂ થઈ છે. સાથે ધરતીપુત્રો પણ આ વાવણીલાયક વરસાદથી ખેતીકામમાં જોતરાઈ ગયા છે.


