જામનગર મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં કુલ 917 જેટલા દબાણો દૂર કરી 19,19,001 ચો. ફુટ જગ્યા ખુલ્લી કરાવાઇ છે. કુલ 10 પોકેટમાં વિભાજિત કરાયેલા દબાણો દૂર કરવાની કામગીરી પૂર્ણ કરાઇ છે. હાલમાં વ્હોરાના હજીરા સુધીના કાંઠા વિસ્તારના દબાણો દૂર કરાયા છે. વ્હોરાના હજીરાથી સ્વામી નારાયણ, ગાંધીનગર તરફના દબાણો અંગે સર્વે આધારિત આગામી સમયમાં દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જામનગર મહાનગરપાલિકાના કમિશનરએ આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
જામનગર શહેરમાં દર વર્ષે ચોમાસા દરમ્યાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. ખાસ કરીને રંગમતિ-નાગમતિ નદીના કાંઠાળા વિસ્તારોમાં થયેલ દબાણોને પરિણામે આ સમસ્યા સર્જાતી હોય છે. જેને લઇ જામનગર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જામનગર શહેરના મધ્યમાંથી પસાર થતી રંગમતિ નદીના દરેડ પાસેના ખોડિયાર મંદિરથી વ્હોરાના હજીરા સુધીના કાંઠાળા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા સર્વે કરી તમામ દબાણોની ઓળખ કરવામાં આવી હતી. જે અન્વયે નદીના કાંઠા વિસ્તારના દબાણોને અલગ અલગ કુલ 8 પોકેટમાં વિભાજીત કરવામાં આવ્યા હતા. તેમજ નદીના કાંઠા નજીકનો મહાનગરપાલિકાની માલિકીના રે. સર્વે નં. 298 પૈકીની જમીનમાં ગેરકાયદેસર રીતે થયેલ દબાણોને કુલ 2 પોકેટમાં વિભાજીત કરવામાં આવ્યા હતા. આમ કુલ 10 પોકેટ પૈકી હાલે મહાનગરપાલિકા દ્વારા 9 પોકેટના દબાણો દુર કરવામાં આવ્યા છે. તેમજ આજરોજ નદીના કાઠા પૈકી પોકેટ નં. 3 ના દબાણ દુર કરવાની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા ચાલી રહી છે. જે પણ આજે પૂર્ણ થઇ જશે. તમામ લો-લાઈંગ એરીયામાંથી બિનઅધિકૃત દબાણો દુર કરી અને નદીની મૂળ હદ મુજબ નદીને વ્યવસ્થિત ચેનલાઈઝ કરવાથી નદીની વહનક્ષમતામાં વધારો થશે તેમજ આજુબાજુમાં પાણી ભરવાનો મહદઅંશે નિકાલ થશે.
રંગમતી નદીના કાંઠા વિસ્તારના દબાણો અને રંગમતિ-નાગમતિ નદીના સંગમસ્થાને જમણા કાંઠા પર 16 જેટલા બિનકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યા તેમજ અંદાજીત 2.0 હેક્ટર જગ્યામાં ખેતી વિષયક દબાણને દુર કરવામાં આવેલ છે. જેથી નદીની વહનક્ષમતામાં અંદાજીત 2 એમસીસએફટી જેટલો વધારો થયો છે. મહાનગરપાલિકા દ્વારા નિયુક્ત કરાયેલા ક્ધસલ્ટન્ટ દ્વારા વિગતવાર નદીની હાયડ્રોલોજી અને હાયડ્રોલીક્સ અભ્યાસ કરી અને તેના આધારે નદીની જુદી જુદી ચેઈનેજ પર ડીઝાઇન સેક્શન મુજબ ખોદાણનુ લેવલ નક્કી કરવામાં આવ્યું હતું. આ કામના પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા દ્વારા નદીના પટમાંથી તેમજ આજુબાજુના દબાણવાળા વિસ્તારમાંથી દબાણ દુર કરી અને નદીની મૂળ પહોળાઈ મુજબ ચેનલાઈઝ કરી અંદાજીત 4,17,320 ઘનમીટર માટી/કાંપ આજદિન સુધી દુર કરવામાં આવેલ છે. જામનગર મહાનગરપાલિકા તથા અન્ય સહયોગી સંસ્થા જેવી કે રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને નાયરા એનર્જીના સહયોગથી હાલે રીવર ચેનલાઈઝેશનનુ કામ ચાલી રહ્યું છે. હાલે નદીની વહનક્ષમતામાં અંદાજીત 14.70 એમસીએફટી જેટલા ેવધારા થયો છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા સોનલનગર પાસે ટીપીએસ નંબર 1 (જેએમસી), એફપી નંબર 65 વાણિજ્ય હેતૂની 33,638 ચો. ફુટ જગ્યા, મહાપ્રભુજીની બેઠક સામે કુલ 1,26,495 ચો. ફુટની 50 મિલકતો, ઢીંચડા રોડ પર 13,041 ચો. ફુટની દરગાહ, જ્ઞાનશક્તિ સર્કલથી સમર્પણ સર્કલ સુધી 30 મીટર ડીપી રોડ અંતર્ગત કુલ 41,170 ચો. ફુટ જગ્યામાં 28 મિલકતો, પટણીવાડ બનિયા વિસ્તારમાં કુલ 61,968 ચો. ફુટ જગ્યાથી 47 મીલ્કતો, કાલાવડ નાકા બહાર રંગમતિ નદી વિસ્તાર રંગમતિ સોસાયટી, મહારાજા સોસાયટીમાં 61,655 ચો. ફુટમાં 45 મિલકતો, લાલપુર બાયપાસ સર્કલથી ઘાંચીની ખડકી સુધી નદીની ડાબી બાજુના વિસ્તારમાં કુલ 66,864 ચો. મીટરમાં 33 મિલકતો, અન્નપૂર્ણા માતાજીના મંદિર પાછળના વિસ્તારમાં કુલ 2,27,152 ચો. ફુટ વિસ્તારમાં 17 મિલકતો, નવ નાલા પાસેના અપસ્ટ્રીમ વિસ્તારમાં કુલ 22,080 ચો. ફુટમાં 22 મિલકતો, સોનાપુરી સ્મશાનથી ગાંધીનગર સુધીના 12 મીટર ડીપી રોડ અંતર્ગત 4,51,920 ચો. ફુટની કુલ 350 મિલકતો અને જામનગર મહાનગરપાલિકાની માલિકીવાળો રેવન્યુ સર્વે નંબર 298 વાળી જગ્યા (બચુનગર વિસ્તાર)માં કુલ 7,12,318 ચો. ફુટમાં 294 મિલકતોનું ડિમોલીશન કરવામાં આવ્યું છે. તેમજ આજે જામનગરના રણજિતસાગર રોડ પર મારૂ કંસારા વાડી પાછળ કુલ 1,00,700 ચો. ફુટ જગ્યાની 29 મિલકતોનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આમ, અત્યાર સુધીમાં કુલ 19,19,001 ચો. ફુટ જગ્યામાંથી 917 મિલકતોનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. જેની કુલ અંદાજિત કિંમત રૂા. 259.02 કરોડ થવા જાય છે તેમ પત્રકાર પરિષદમાં કમિશનરે જણાવ્યું હતું.
આ પત્રકાર પરિષદમાં કમિશનર ડી. એન. મોદી, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જીનિયર ભાવેશભાઇ જાની અને દબાણ અધિકારી મુકેશભાઇ વરણવા ઉપસ્થિત રહ્યાં હતાં.


