જામનગર શહેરના બેડી ઇદ મસ્જિદ રોડ પર પાનની દુકાન સામે યુવાન અને તેના પુત્ર ઉપર પાંચ શખ્સએ છરી વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પિતા-પુત્ર ઘવાયા હતા. આ બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
મારામારીના બનાવની વિગત મુજબ બુધવારે મદ્યરાત્રિના સમયે જામનગર શહેરના બેડીમાં ઇદ મસ્જિદ રોડ પર પાનની દુકાન સામે હુશેનભાઇ વલીમામદ જેડા (ઉ.વ.40) નામના યુવાનના પુત્ર સાથે જાફર અબ્દુલ ખત્રી, કાસમ અબ્દુલ ખત્રી, સલીમ અબ્દુલ ખત્રી, હમીદ હુશેન ખત્રી, સલમાન અબ્દુલ ખત્રી નામના પાંચ શખ્સોએ ઝઘડો કરી ગાળો કાઢતા હતા. જેથી હુશેનભાઇએ પુત્રને ગાળો ન આપવાની અને ઝઘડો કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા જાફર અબ્દુલએ છરી કાઢી યુવાનના પુત્રના કપાળના ભાગે ઘા ઝીંકી દીધો હતો. તેમજ અન્ય શખ્સોએ ઢીકાપાટુનો માર મારી પછાડી દેતાં યુવાનનો પુત્ર રાડારાડી કરવા લાગ્યો હતો. જેથી ત્રણેય શખ્સો ત્યાંથી જતા રહ્યાં હતા. ત્યારબાદ યુવાન તેના ઘવાયેલા પુત્રને લઇને જતો હતો ત્યારે હમીદ હુશેન અને સલમાન અબ્દુલ નામના બે શખ્સએ આવીને હુશેનભાઇ ઉપર છરી વડે હુમલો કરી જતા જતા પિતા-પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી.
ત્યારબાદ ઘવાયેલા પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ એમ. વી. મોઢવાડિયા તથા સ્ટાફએ પાંચ શખ્સ વિરૂઘ્ધ હુમલો કરી મારી નાખ્યાની ધમકી આપ્યાનો ગુનો નોંધી હુમલાખોરોની શોધ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.


