Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારશેરબજારમાં એકના ડબલ કરવાની લાલચ આપી ફ્રોડ કરનારો શખ્સ ઝડપાયો

શેરબજારમાં એકના ડબલ કરવાની લાલચ આપી ફ્રોડ કરનારો શખ્સ ઝડપાયો

સાયબર ક્રાઇમ પોલીસે રૂપિયા 1.10 લાખ પડાવી લેનાર શખ્સને દબોચ્યો

ઓન લાઈન વિવિધ પ્રકારે છેતરપિંડીના વધતા જતા બનાવો વચ્ચે તાજેતરમાં દ્વારકા જિલ્લાના એક યુવાનને શેર બજારમાં એકના ડબલ પૈસા કરી આપવાની લાલચ આપી રૂ. 1.10 લાખની ઠગાઈ કરનારા રાજસ્થાની શખ્સને સાયબર ક્રાઇમ પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર પોલીસ મથકમાં થોડા સમય પૂર્વે નોંધાયેલી એક ફરિયાદમાં એક યુવાનને ટેલીગ્રામ મારફતે કોઈ શખ્સએ સંપર્ક કરી, શેરબજારમાં ટ્રેડિંગ કરાવી અને વિવિધ પ્રકારના પ્રલોભનો આપ્યા હતા. જેમાં સામે છેડેથી શખ્સે યુવાનને શેર માર્કેટમાં ટ્રેડિંગમાં એકના બે કરી આપવાની લાલચ આપી, વોટ્સએપ મારફતે ક્યુ.આર. કોડ શેર કરીને તેમની પાસેથી રૂ. 1 લાખ 10 હજારની રકમ પડાવી લેવામાં આવી હતી.
આ ગંભીર મુદ્દે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ઈન્ચાર્જ ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસી દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ આદરવામાં આવી હતી.
આ પ્રકરણ સંદર્ભે જિલ્લા સાયબર સેલ વિભાગના પી.આઈ. વી.કે. કોઠીયા તેમજ તેમની ટીમ દ્વારા આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર એવા રાજસ્થાન રાજ્યના ટોંક જિલ્લાના ઉનિયારા તાલુકાના રહીશ એવા રામરેશ મદનલાલ મીના નામના 20 વર્ષના શખ્સને રાજસ્થાન ખાતેથી લીધો હતો. ઝડપાયેલા આ શખ્સ દ્વારા ફ્રોડ માટે ઉપયોગમાં લેવામાં આવેલા બેન્ક ઓફ બરોડાના એકાઉન્ટ, એરટેલ પેમેન્ટના બે અલગ અલગ એકાઉન્ટની વિગતો મેળવી હતી.

અભ્યાસ કરતો 20 વર્ષનો આરોપી રામરેશ મદનલાલ મીનાએ બી.એસ.સી. પોલિટેકલ સાયન્સનો અભ્યાસ કર્યો છે. છેલ્લા બે વર્ષથી તેની પાસે કોઈ આવકનો મોટો સ્ત્રોત ન હોવાથી તે શેર ટ્રેડિંગને લગતી ટેલિગ્રામ ચેનલ બનાવી અને તેમાં સભ્ય બનનારની સાથે વોટ્સએપ પર વાતચીત કરીને તેઓને વિશ્વાસમાં લઈ, શેર ટ્રેડિંગમાં બમણો લાભ કરાવી આપવાની લાલચ આપતો હતો. આ પછી જે-તે આસામી પાસેથી ઓનલાઈન પેમેન્ટ મેળવી લઈ અને યુક્તિપૂર્વક ભરપાઈ થયેલી રકમ પરત ન આપીને આયોજનબદ્ધ રીતે છેતરપિંડી આચરતો હતો.
આ સમગ્ર કાર્યવાહીમાં પી.આઈ. વી.કે. કોઠીયા સાથે પી.એસ.આઈ. એન.એસ. ગોહિલ, એસ.વી. કાંબલીયા, ધરણાંતભાઈ બંધીયા, ભરતભાઈ ચાવડા, હેભાભાઈ ચાવડા, અજયભાઈ વાઘેલા અને સાઇબર ક્રાઇમની ટીમ સાથે રહી હતી.

- Advertisement -

ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે વોટ્સએપ જેવી સોશિયલ મીડિયા સાઈટ્સ પર આવતી શેર માર્કેટ ટ્રેડિંગને લગતી લોભામણી જાહેરાતોથી દૂર રહી અને તેમાં રોકાણ ન કરી, નાણાકીય છેતરપિંડીથી બચવા જિલ્લાના નાગરિકોને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular