મેઘપર પડાણા નજીક નાના લખિયા ગામ પાસે મોટરકાર ચાલકે મોટરસાયકલને હડફેટે લેતાં બાઇકચાલક તથા તેની સાથે રહેલાં તેમના ભાણેજને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા. અકસ્માત સર્જી મોટરકાર ચાલક નાશી ગયો હોય, પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરાઇ છે. ઉપરાંત જામનગર-રાજકોટ હાઇવે ઉપર વિશ્રામ હોટલ નજીક મોટરકાર ચાલકે રાહદારીને હડફેટે લઇ ફ્રેકચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચાડયાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાના લખિયા ગામમાં રહેતા જયેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજા નામના યુવાન ગત્ તા. 14 મેના રોજ સવારના સમયે જીજે10-ઇએ-6501 નંબરનું મોટરસાયકલ ચલાવી તેમના ભાણેજ શિવરાજસિંહ સાથે નાના લખિયા ગામ પાસેથી પસાર થઇ રહ્યાં હતા ત્યારે જીજે10-ઇસી-2174 નંબરની ઓરા કારના ચાલકે પોતાની મોટરકાર પુરપાટ ઝડપે, બેફિકરાઇથી ચલાવી સામેથી આવતા ફરિયાદીના જીજે10-ઇએ-6501 નંબરના મોટરસાયકલને હડફેટે લઇ કારચાલક નાશી ગયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં પાછળ બેસેલા શિવરાજસિંહને પગમાં ફ્રેકચર સહિતની ઇજાઓ તથા ફરિયાદી જયેન્દ્રસિંહને પણ ઇજાઓ પહોંચતા સારવારઅર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે જયેન્દ્રસિંહ દ્વારા જીજે10-ઇસી-2174 નંબરના મોટરકાર ચાલક વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવાતા પોલીસે કારચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.
આ ઉપરાંત અકસ્માતનો બીજો બનાવ જામનગર-રાજકોટ હાઇવે ઉપર વિશ્રામ હોટલ સામે, દાઉદભાઇ અત્તરવાલા વિશ્રામ હોટલમાં ચા-પાણી પીવા જતા હતા ત્યારે રોડ ક્રોસ કરતી વખતે રાજકોટ તરફથી જામનગર તરફ જતી જીજે03-એલજી-7312 નંબરની બલેનો કારના ચાલકે પુરપાટ વેગે, બેફિકરાઇથી મોટરકાર ચલાવી રોડ ક્રોસ કરી રહેલ વૃઘ્ધને હડફેટ લઇ અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં વૃઘ્ધને ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચી હતી. આ અંગે હુશેનભાઇ અત્તરવાલા દ્વારા જીજે03-એલજી-7312ના ચાલક સચિનભાઇ સોલંકી વિરૂઘ્ધ પંચ ‘એ’ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે કારચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


