જામનગર શહેરના જલારામનગર વિસ્તારમાં રહેતાં પ્રૌઢ તેના ભાઇ-ભાભી અને ભત્રીજા સાથે ઘરે હતા ત્યારે ભત્રીજા સહિતના ચાર શખ્સએ પ્રૌઢના માતાની સારવારમાં દેખરેખ રાખવાનું કહ્યાનો ખાર રાખી ધોકા અને છરી વડે કાકા ઉપર હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં એમ પી શાહ કોમર્સ કોલેજ પાછળ આવેલા જલારામનગરમાં રહેતા પ્રકાશભાઇ પોપટભાઇ મગવાનિયા (ઉ.વ.55) નામના મજૂરીકામ કરતાં પ્રૌઢ મંગળવારે રાત્રિના સમયે મોટાભાઇ અરવિંદભાઇ, ભાભી મંજુબેન અને ભત્રીજા વિજય સાથે ઘરે હતા ત્યારે પ્રૌઢના ભત્રીજા મનોજ મગવાનિયાએ ફોન કરીને પ્રોેઢએ તેના માતા જી. જી. હોસ્પિટલમાં દાખલ હોય તેની દેખભાળ કરવા માટે કહયું હતું. જેથી મનોજ મગવાનીયા અને અનિલ મગવાનિયા, શારદાબેન મગવાનીયા અને પૂજાબેન મગવાની નામના ચાર શખ્સોએ એકસંપ કરી કાકા પ્રકાશભાઇને ત્યાં આવીને ગાળાગાળી કરી, ધોકા વડે હુમલો કર્યો હતો. તેમજ છરી વડે તથા મહિલાઓએ ઇંટોના ઘા કરી પ્રૌઢને ઇજા પહોંચાડી હતી. ઇજામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ કે. એન. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ પ્રૌઢના નિવેદનના આધારે બે મહિલા સહિત ચાર શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી હતી.


