જામનગર તાલુકાના સરમત ગામમાં રહેતી યુવતીને તેણીની માતાએ ઘરકામ બાબતે આપેલા ઠપકાનું મનમાં લાગી આવતાં સોમવારે સાંજના સમયે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના સરમત ગામમાં રોડના કાંઠે રહેતાં સહદેવસિંહ પ્રવીણસિંહ જાડેજાના ખેડૂત યુવાનની પુત્રી રાજલબા સહદેવસિંહ જાડેજા (ઉ.વ.18) નામની યુવતીને તેણીની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો. આ ઠપકાનું મનમાં લાગી આવતાં રાજલબાએ ગત્ તા. 26ના રોજ સોમવારે સાંજના સમયે તેના ઘરે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવતીની હાલત લથડતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા સહદેવસિંહ દ્વારા જાણ કરાતા એએસઆઇ સી. બી. ગાંભવા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી તેને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી આરંભી હતી.


