જામનગરની ભાગોળી મોરકંડાના પાટીયા નજીક ટ્રકનું ટાયર ફાટતા ટ્રક ડ્રાઈવર તેનાથી બચવા કુદવા જતા તેના જ ટ્રકના પાછળના ટાયર હેઠળ ચગદાઈ જતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવના પગલે માર્ગ પર લોકોના ટોળા એકઠા થયા હતાં. પોલીસને જાણ કરાતા પોલીસ દોડી જઇ મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અકસ્માતના બનાવની વિગત મુજબ, કેશુભા પોલાભા માણેક ગત તા. 27 માર્ચના રોજ પોતાનો જીજે-37-ટી-6945 નંબરનો ટ્રક લઇ મીઠાપુરથી પાદરા તરફ જઈ રહ્યા હતાં. ત્યારે જામનગર રાજકોટ હાઈવે રોડ પર લાલપુર ચોકડીથી આગળ મોરકંડા ગામ નજીક પહોંચતા તેના ટ્રકનું ટાયર ફાટયું હતું. જેના પરિણામે ટ્રકચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક ડીવાઈડર ટપીને સામેના રોંગસાઈડના રોડ પર જતા પોતાનો જીવ બચાવવા ટ્રક ડ્રાઈવર ટ્રકની કેબિનમાંથી કુદકો માર્યો હતો. આ દરમિયાન તે નીચે પટકાતા ટ્રકના પાછળનું ટાયર તેની માથે ફરી વળતા ટ્રકચાલક કેશુભા પોલાભા માણેક (ઉ.વ.40) ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માતના પગલે માર્ગ પર લોકોના ટોળા એકઠા થઈ જતાં ટ્રાફિક જામ થયો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા પંચ બી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પંચ બી પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે ખસેડી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી.
આ અંગે દ્વારકાજિલ્લાના રવુભા વાલાભા માણેક દ્વારા અકસ્માત અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


