જામનગર તાલુકાના દરેડ-મસિતીયા રોડ પર ગત રાત્રીના સમયે પૂરપાટ આવી રહેલી ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇકસવાર યુવકનું ગંભીર ઇજા પહોંચતાં મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડથી મસિતિયા તરફ જવાના માર્ગ પર ગતરાત્રીના સમયે બેફિકરાઇથી આવી રહેલી ઇકો કારચાલકે બાઇકસવાર રજાક અબ્બાસભાઇ ખફી (ઉ.વ.22) નામના યુવકને ઠોકર મારી હડફેટ લેતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રજાકભાઇને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. અકસ્માતની જાણ થતાં મસિતિયા ગામના અગ્રણીઓ અને ગ્રામજનો હોસ્પિટલે દોડી આવ્યા હતાં. અકસ્માતના બનાવ અંગેની જાણ થતાં પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટાફ સ્થળ પર અને હોસ્પિટલ દોડી ગયો હતો અને અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી ઇકો કારના ચાલક વિરુધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.


