જામનગર તાલુકાના મોખાણા ગામ નજીકથી પુરપાટ આવી રહેલી કારના ચાલકે આગળ જતી સીએનજી રીક્ષાને હડફેટે લઇ ઠોકરે ચડાવતા રીક્ષા પલ્ટી ખાઇ જતાં રીક્ષાચાલકનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના નવા મોખાણા ગામમાં રહેતાં પરબતભાઈ મકવાણા નામના પ્રૌઢ મકરસંક્રાંતિના દિવસે સવારના સમયે તેની જીજે-10-ટીડબલ્યુ-5722 નંબરની સીએનજી રીક્ષામાં જતાં હતાં તે દરમિયાન મોખાણા ગામના પાટીયાથી જામનગર તરફના માર્ગ પર પહોંચ્યા ત્યારે પૂરપાટ બેફીકરાઈથી આવી રહેલી જીજે-10-ડીઆર-2927 નંબરની કારના ચાલકે રીક્ષાને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં રીક્ષા પલ્ટી ખાઈ ગઇ હતી. જેથી રીક્ષાના ચાલક પરબતભાઈને શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પ્રૌઢને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર પરેશભાઈ દ્વારા જાણ કરાતા પીઆઈ વી.જે. રાઠોડ તથા સ્ટાફે કારચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.