જામનગર શહેરમાં કે.પી. શાહ વાડી વિસ્તારમાં રહેતાં અને અભ્યાસ કરતાં યુવકને શખ્સે જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી. અન્ય વ્યક્તિઓ દ્વારા શખ્સને સમજાવ્યા બાદ ઉશ્કેરાયેલા શખ્સે યુવકને ગાળો કાઢી તથા અન્ય વ્યક્તિને મારી નાખવાની ધમકી આપી લતાવાસીઓને અવાર-નવાર ત્રાસ આપતા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી તેમજ અન્ય એક યુવાનને આંતરીને તારે શેરીમાં રહેવું હોય તો હું રાડ પાડુ તો ઉભુ રહી જવાનું તેમ કહી ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના કે.પી.શાહની વાડીની બાજુમાં આવેલા ગાયત્રીનગર શેરી નંબર-3 માં રહેતો અને અભ્યાસ કરતો સત્યપાલસિંહ વિજયસિંહ ચૌહાણ નામનો યુવક સોમવારે રાત્રિના સમયે તેના ઘર પાસે હતો તે દરમિયાન યુવરાજસિંહ ઉર્ફે પુરીયો સહદેવસિંહ જાડેજા નામના શખ્સે યુવકને આંતરીને તારા મામાનો દિકરો કેમ ઘરે જતો રહ્યો ? કહીને જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી. જેથી પાડોશમાં રહેતાં જીતેન્દ્રસિંહ રાયજાદા બહાર આવ્યા હતાં અને યુવરાજસિંહનો હાથ પકડીને તેના ઘરમાં મૂકી આવ્યા હતાં ત્યારબાદ સત્યપાલસિંહ, અર્જુનસિંહ જાડેજા અને છત્રપાલસિંહ જાડેજા નામના ત્રણેય યુવકો સત્યપાલસિંહના ઘર પાસે ઉભા હતાં તે દરમિયાન યુવરાજસિંહે ફરીથી ઘરની બહાર આવી જેમ ફાવે તેમ ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપતા વિસ્તારમાં રહેતાં જયશ્રીબા અનુભા ગોહિલ, ગજેન્દ્રસિંહ કિરીટસિંહ જાડેજા, ભાગ્યેશ્રી મયુરસિંહ જાડેજા અને રીટાબા રાજેન્દ્રસિંહ પરમાર સહિતના લતાવાસીઓ દ્વારા યુવરાજસિંહને સમજાવવા જતા ઉશ્કેરાયેલા યુવરાજસિંહે જતા જતા ગાળો કાઢી અર્જુનસિંહને પતાવી દેવાની ધમકી આપી હતી.
આમ લતામાં રહેતા શખ્સ દ્વારા અવાર-નવાર ખોટી રીતે શહેરીજનોને ત્રાસ આપતો હતો. જે અંગેની જાણ કરતા પીએસઆઇ એમ. વી. મોઢવાડિયા તથા સ્ટાફે સત્યપાલસિંહના નિવેદનના આધારે યુવરાજસિંહ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
તેમજ અન્ય બનાવમાં આ વિસ્તારમાં રહેતો સચિન શૈલેષભાઈ પંચોલી (ઉ.વ.29) નામનો યુવાન અગાઉ તેના એકટીવા પર કપડાના શો રૂમ પર નોકરીએ જતો હતો તે દરમિયાન ગાયત્રીનગર શેરી નંબર-3 ના ખુણે આવેલા સબ સ્ટેશન પાસે યુવરાજસિંહ ઉર્ફે પુરીયો સહદેવસિંહ જાડેજા નામના લુખ્ખા શખ્સે સચીનને આંતરીને ‘તને બવ પાવર આવી ગયો છે તારે શેરીમાં રહેવું છે ને હુ એક રાડ પાડુ તો તારે ઉભુ રહી જવાનું’ તેમ કહી ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી. આ અંગેની જાણના આધારે પીએસઆઇ એમ.ડી. મોઢવાડિયા તથા સ્ટાફે સચિનના નિવેદનના આધારે યુવરાજસિંહ વિરૂધ્ધ વધુ એક ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.