લાલપુર તાલુકાના કાનાલુસથી પડાણા તરફ જવાના માર્ગ પર પુરપાટ આવી રહેલી ઈકો કારે બાઈકને ઠોકર મારી હડફેટે લીધા બાદ કાર પુલીયાની પારી સાથે અથડાતા ચાલકને ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે બાઇકસવાર બે યુવાનોને ઈજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં રહેતા મજબુતસિંહ રણજીતસિંહ જાડેજા નામનો યુવાન જીજે-10-ડીકે-9896 નંબરના બાઇક પર હસમુખભાઈ સાથે ગત તા. 23 ના રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં કાનાલુસથી પડાણા તરફ જવાના માર્ગ પરથી પસાર થતા હતાં ત્યારે કાનાલુસની સીમમાં રેલવે ફાટક નજીક પહોંચ્યા ત્યારે પુરપાટ આવી રહેલી જીજે-12-સીજી-2389 નંબરની કારના ચાલકે બાઇકને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માત થયો હતો. બાઈકને હડફેટે લીધા બાદ ઈકો કાર પુલીયાની પારી સાથે અથડાઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ઈકો કારના ચાલકને શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને બાઈકચાલક મજબુતસિંહ તથા હસમુખભાઈ રવજીભાઈ સોલંકી બન્ને યુવાનોને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી.
ત્યારબાદ ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ઈકો કારચાલકનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી હતી. બનાવ અંગેની ઈજાગ્રસ્ત મજબુતસિંહના કાકા દિનેશસિંહ દ્વારા જાણ કરાતા એએસઆઇ વી.સી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.