જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા શહેરમાં હાપા યાર્ડ, સુભાષ શાકમાર્કેટ, સટાબજાર સહિતના સ્થળોએથી ફ્રુટ તેમજ શાકભાજીના નમૂના લઇ અમદાવાદ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખાણીપીણીની હોટલો-રેંકડીઓમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
એફએસએસએઆઈ ન્યુ દિલ્હીના નેશનલ એન્યુઅલ સર્વેલન્સ પ્લાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં ફ્રેશ ફ્રુટસ અને વેજીટેબલ ખાદ્ય ચીજોનું સ્પેશિયલ સર્વેલન્સ ડ્રાઈવ અંગે ગાંધીનગરના આદેશ અને જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી એન મોદી ની સુચના મુજબ ફુડ સેફટી અને સ્ટાન્ડર્ડ એકટ 2006 ને તે અન્વયેના નિયમો હેઠળ સર્વેલન્સ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને જામનગર મહાનગરપાલિકાના ફુડ સેફટી ઓફિસર દ્વારા એપીએમસી માર્કેટ હાપામાંથી 138 વેજીટેબલના અને સુભાષમાર્કેટ / સટ્ટાબજારમાંથી 26 ફ્રુટના નમૂના લઇ પૃથ્થકરણ અર્થે અમદાવાદ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં.
આ ઉપરાંત ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં ફરસાણ, ફાસ્ટ ફુડ, હોટલ રેસ્ટોરન્ટમાં પણ ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં ખોડિયાર કોોની વિસ્તારમાં આવેલ હોટલ અનાયા બિકમ, સમર્પણ રોડ હોટલ વિશાલ ઈન્ટરનેશનલ તથા ખોડિયાર કોલોનીમાં પાપા લુઇસ પીત્ઝામાં ચેકીંગ દરમિયાન રેસ્ટોરન્ટમાં તૈયાર થતી ખાદ્ય સામગ્રી કયા પ્રકારના ખાદ્ય તેલમાંથી બનાવાઈ છે ? તે ગ્રાહકને વંચાય તે રીતે બોર્ડ લગાવવા સૂચના અપાઈ હતી. 58 દિગ્વીજય પ્લોટમાં અમદાવાદ પકવાન અને સોનાલી ફરસાણમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન જામ્યુકો દ્વારા વિવિધ દુકાનધારકોને સાફ સફાઇ, સ્વચ્છતા જાળવવા સહિતના મુદ્ે સૂચનાઓ આપવામાં આવી હતી.
રાજ્ય સરકારની સુચના હેઠળ તમામ પ્રકારના ખાદ્ય તેલો રીપેકીંગ ટીન ઉપયોગ ન કરવા અંગેના સુચનની અમલવારી અંગે શહેરના ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આવેલ ખાદ્ય તેલના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી રીયુઝ પેક ટીન વાળા ખાદ્ય તેલનું વેંચાણ ન કરવા સૂચના આપી હતી.