જામનગર મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદાર તરીકેની નોકરીમાં સરળતાથી કરી આપવા અને હેરાનગતિ નહીં કરવાના અવેજપેટે અવેજી સફાઈ કામદાર તથા સેનેટરી સબ ઈન્સ્પેકટર રૂા.22500 ની લાંચ લેતા એસીબીની ટીમે ઝડપી લીધા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા મહિલાને તેની નોકરીમાં સરળતા કરી આપવા તથા હેરાનગતિ નહીં કરવાના અવેજપેટે મહિલાના પૌત્ર પાસેથી અવેજી સફાઈ કામદાર તથા સેનેટરી સબ ઈન્સ્પેકટર દ્વારા દ્વારા રૂા.22500 ની લાંચની માંગણી કરવામાં આવી હતી પરંતુ જાગૃત્ત નાગરિક લાંચ આપવા ન માગતો હોય. તેથી તેણે જામનગર એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે ઈન્ચાર્જ એસીબી મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ જામનગર એસીબી પીઆઈ આર. એન. વિરાણી તથા સ્ટાફે છટકુ ગોઠવ્યું હતું અને આ છટકામાં મંગળવારે સાંજના સમયે મહાનગરપાલિકાના વોર્ડ નંબર-9ની ઓફિસમાં ક્રિકેટ બંગલાની બાજુમાં હોમગાર્ડ કચેરી સામે લાંચની રકમ આપવાનું નકકી થયું હતું. આ રકમ અવેજી સફાઈ કામદાર રવજી મગન પરમાર (ઉ.વ.33) (વોર્ડ નંબર-9) નામના કર્મચારીએ તેના મોબાઇલમાંથી વોર્ડ નંબર-9 માં સેનેટરી સબ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા પ્રકાશચંદ્ર મોતીલાલ મકવાણા (ઉ.વ.41) સાથે વાતચીત કરી હતી.
ત્યારબાદ આ લાંચની રકમ વોર્ડ નંબર-9 ની ઓફિસે આપવાનું નકકી થયું હતું. જેમાં જાગૃત્ત નાગરિક પાસેથી રવજી મગન પરમારએ લાંચની રૂા.22500 ની રકમ સ્વીકારી હતી. પરંતુ, શંકા જતાં આ લાંચની રકમ નાગરિકને પરત આપી સેનેટરી સબ ઈન્સ્પેકટરને આપવા માટે તેના મોબાઇલમાંથી પ્રકાશ ચંદ્ર મકવાણા સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ જાગૃત્ત નાગરિક પાસેથી પ્રકાશ ચંદ્ર મકવાણા રૂા.22500 ની લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથ ઝડપી લીધા હતાં અને રવજી મગન પરમાર તથા પ્રકાશ ચંદ્ર મોતીલાલ મકવાણા નામના બંને કર્મચારીઓની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.