જામનગર શહેરમાં ગુલાબનગર ઓવરબ્રીજ સામે આવેલી પેઢી બંધ કરી દેવાયા બાદ સંચાલકો દ્વારા એક કરોડનો વેટ સરકારને નહીં ચૂકવી છેતરપિંડી આચર્યાના બનાવમાં આઠ સંચાલકો વિરૂધ્ધ પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
મળતી વિગત મુજબ, જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર હાપામાં ઓવરબ્રીજ પાસે આવેલી યમુના મોટર પ્રાઈવેટ લીમીટેડ નામની ઓટોમોબાઇલ ડીલરશીપ ધરાવતી પેઢીના સંચલકો દ્વારા વર્ષ 2008-2009 નો કુલ વેટ 1,06,40,751 + (આજદિન સુધીની ચડત વ્યાજ) ની રકમ વેટએકટ 2005 અંતર્ગત ભર્યો ન હતો અને આ વેરો નહીં ભરી સરકાર સાથે છેતરપિંડી આચરી હતી. આ છેતરપિંડી પ્રકરણમાં વેટ અધિકારી દિવ્યેશભાઈ પરેશભાઈ રાણીપા દ્વારા પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં યમુના મોટર પ્રા.લી.ના પ્રાણજીવન પરમાણંદ ગોકાણી, સવિતાબેન પ્રાણજીવન ોકાણી, ાલ પ્રાણજીવન ગોકાણી, તેજલ પ્રાણજીવન ગોકાણી, પ્રીયાંશુ સંજય ગોકાણી, સંજય પ્રાણજીવન ગોકાણી (રહે. ‘યમુના’ બાલવાટીકા સામે, હોસ્પિટલ રોડ, દ્વારકા) અને યોગેશકુમાર ભગવાનજીભાઈ વિઠ્ઠલાણી, પુષ્પાબેન યોગેશકુમાર વિઠ્ઠલાણી (રહે. ગાયત્રીકૃપા, હનુમાન મંદિર, સુરજકરાડી, ઓખામંડળ જિ. દ્વારકા) નામના આઠ વ્યક્તિઓએ વેટ કાયદા હેઠળ નોંધણી નંબર 24100401017 થી નોંધણી થઈ હતી.
આ પેઢીના સંચાલકો દ્વારા 2008-09 થી આજ દિવસ સુધીનો વેટની બાકી રહેતી એક કરોડ ઉપરની રકમનો વેરો ભર્યો ન હતો. સરકારી કચેરી તરફથી સંચાલકોને વેટ ભરી જવા અનેક વખત લેખિત તથા મૌખિક જાણ કરવામાં આવી હતી. પરંતુ, આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને આ પેઢી બંધ કરી દીધા બાદ વેટ-વેરો ભરવામાં આવ્યો ન હતો. જેથી વેટ અધિકારી દ્વારા પેઢીના સંચાલકો વિરૂધ્ધ ગુજરાત મૂલ્યવર્ધી વેરા અધિનિયમ 2003 ની કલમ 85 (1)(ઘ)(જ), 85(2)(ખ)(ઘ)(ચ)(છ)(ડ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેના આધારે પીઆઈ વી.જે. રાઠોડ તથા સ્ટાફે તપાસ આરંભી હતી.