દ્વારકા પંથકમાં હોટેલ વ્યવસાયના વધતા જતા વ્યાપ વિસ્તાર અને લોકપ્રિયતા વચ્ચે અગાઉ જાણીતી હોટલોના નામની ફેક આઈડી અને વેબસાઈટ બનાવીને ઓનલાઈન બુકિંગ કરી, અહીં આવતા યાત્રાળુઓ સાથે છેતરપિંડી થયાના અનેક બનાવ પ્રકાશમાં આવ્યા હતા. આ વચ્ચે ગઈકાલે વધુ એક ફરિયાદ દ્વારકાની એક હોટલના માલિક દ્વારા અજાણ્યા શખ્સો સામે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર બનાવ અંગે દ્વારકામાં જોધા માણેક ચોક વિસ્તારમાં રહેતા અને હોટલ શ્રીદર્શન નામથી એક હોટલ ધરાવતા મુકેશભાઈ ડાયાલાલ ઘઘડા (ઉ.વ. 60) એ અજાણ્યા શખ્સો સામે અહીંના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ કોઈ અજાણ્યા શખ્સોએ સુવ્યવસ્થિત રીતે કાવતરુ રચી, અને તેમની હોટેલના નામની વેબસાઈટ જેવી ફેક વેબસાઈટો બનાવી, અને તેનો ઇન્ટરનેટના માધ્યમથી દુરુપયો કરી, ફેક વેબસાઈટ ગૂગલ સર્ચ પર અપલોડ કરી હતી. જેથી ફરિયાદી મુકેશભાઈની હોટલના નામે આરોપીઓએ પોતાના ફોન નંબરનો ઉપયોગ કરી, દ્વારકા દર્શનાર્થે આવતા અલગ અલગ દર્શનાર્થીઓ તથા પ્રવાસીઓ સાથે હોટેલ બુકિંગના નામે ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.
આ રીતે હોટેલ શ્રીદર્શનના નામનો દુરુપયોગ કરી, અને અહીં આવતા દર્શનાર્થીઓ તથા પ્રવાસીઓ ઉપરાંત હોટેલના માલિક સાથે પણ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે સાયબર ક્રાઇમ પોલીસે ભારતીય ન્યાય સંહિતા તેમજ આઈ.ટી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ વી.કે. કોઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.