જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા બાબતે બે જુથ વચ્ચે અથડામણ થઈ હતી આ જૂથ અથડામણના સામસામા હુમલામાં સાત વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તમામને જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવના પગલે પોલીસ દોડી ગઇ હતી. બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
જામનગર શહેરના દિ.પ્લોટ 31 વિસ્તારમાં દિવાળીના તહેવારે રાત્રિના સમયે ફટાકડા ફોડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણની વિગત મુજબ, મહેન્દ્રભાઈ જમનાદાસ ધબા નામના વૃધ્ધ તેમના ઘરે હતાં તે દરમિયાન પાડોશીઓ દિવાળીના ફટાકડા ફોડતા હોય. જેથી ઘર નજીક ફટાકડા ન ફોડવા બાબતે સમજાવવા જતાં નવીન નાનજી વાઘેલા, હકીન નવીન વાઘેલા, હાર્દિક હકીન વાઘેલા, પ્રવિણ ચના ઝાલા, શૈલેષ વાઘેલા, લાલા વાઘેલા, સુનિલ વાઘેલા સહિતના અડધ ડઝ ેટલા શખ્સોએ એકસંપ કરી વૃધ્ધ ઉપર છરી, લોખંડના પાઈપ વડે હુમલો કરતા વૃધ્ધના પુત્ર જય ધબા અને તેમની પત્ની કોમલબેન પિતાને બચાવવા વચ્ચે પડતા તેમના ઉપર લોખંડના પાઈપ અને કોમલબેન ઉપર પથ્થર વડે હુમલો કરી ગાળો કાઢી ઈજા પહોંચાડી હતી.
હુમલામાં સામાપક્ષે મહેન્દ્ર જમનાદાસ ધબા અને તેનો પુત્ર જય મહેન્દ્ર ધબા નામના પિતા-પુત્રએ દેવેન્દ્ર વિનોદ વાઘેલા અને તેના ભાઈઓ ઉપર ફટાડકા ફોડવાની બાબતે છરી અને લોખંડની મુંઠ વડે હુમલો કર્યો હતો અને ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી તેમજ છરી અને મુંઠ વડે દેવેન્દ્ર ઉપર હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો તથા શૈલેષભાઈ, પૃથ્વી અને અનિકેતને ઈજા પહોંચી હતી. દિવાળીની રાત્રિના સમયે થયેલ સામસામી મારામારીમાં વૃધ્ધ અને તેનો પુત્ર તથા પુત્રવધૂ તથા સામાપક્ષે ત્રણ લોકોને હુમલામાં ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ ડી.જી. રામાનુજ તથા સ્ટાફે વૃધ્ધના નિવેદનના આધારે સાત શખ્સો વિરૂધ્ધ હુમલાનો અને સામાપક્ષે દેવેન્દ્ર વાઘેલાના નિવેદનના આધારે એસસીએસટી સેલના ડીવાયએસપી દ્વારા એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.