દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે. બજારોમાં ખરીદીની ચહલપહલ વધી ગઇ લોકો કામકાજમાંથી પરવારીને હવે ખરીદી તરફ વળ્યા છે તો વળી દિવાળી પછી લગ્નસરાની સીઝન શરૂ થતી હોય છે. બજારમાં આ સારા દિવસોમાં ખરીદી શરૂ કરવામાં આવે છે ત્યારે આજે ગુરૂપુષ્યામૃત નક્ષત્ર અને સર્વાર્થસિધ્ધી યોગ હોય શુભ વસ્તુની ખરીદી અને પુજા માટેનો ઉત્તમ દિવસ છે.
આજે ગુરૂપુષ્યામૃત નક્ષત્ર છે. આજના દિવસે બાળકોને સુવર્ણપ્રાસન ટીપા પીવડાવવાનું મહત્વ છે. તો વળી વિષ્ણ સહસ્ત્રનામના પાઠનું ખૂબ મહત્વ છે. આ નક્ષત્રમાં કરેલા કાર્યની વૃધ્ધિ થાય છે. જેથી આ નક્ષત્રમાં લોકો શુભ કાર્યો કરતા હોય છે. તો વળી જમીન, મકાન, સોના-ચાંદી તેમજ લક્ષ્મીપુજન માટે ધંધા રોજગારના ચોપડા ખરીદવા માટેનું ઉત્તમ મુહુર્ત ગણવામાં આવે છે. તેમજ આ દિવસે ઈષ્ટદેવ અને કુળદેવીની પુજા કરી જપ કરવાથી ઉત્તમ ફળ મળે છે.
જામનગરમાં પણ આજે પુષ્યનક્ષત્રના દિવસે ખૂબ ચહલપહલ જોવા મળી રહી છે. લોકો સોના-ચાંદી તેમજ મોબાઇલની ખરીદી તરફ વધુ વળતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત દિવાળી પૂર્વે આવતો શુભ દિવસ એટલે ધનતેરસ ત્યારે પણ ખરીદીનો સારો માહોલ સોની અને ચાંદીબજારમાં જોવા મળે છે. લોકો આજના દિવસે વાહનોની બુકીંગ કરાવતા કે વાહનોની ડીલવરી મેળવતા જોવા મળે છે. પુષ્ય નક્ષત્રમાં લગ્નને છોડીને અન્ય માંગલિક અને મહત્વપૂર્ણ કાર્યોની શરૂઆત કરવામાં આવે છે. સાથે જ ખરીદકારી, રોકાણ અને મોટા વ્યાપારિક લેણદેણ આ નક્ષત્રમાં કરવા શુભ માનવામાં આવે છે. તેમાં પણ શરદ ઋતુ એટલે આસો મહિનામાં આવતો પુષ્ય નક્ષત્રને શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે. આ નક્ષત્રમાં શરૂ કરેલા દરેક કાર્યો પુષ્ટિદાયક અને સર્વાર્થસિધ્ધ હોય જ છે. સતાવીસ નક્ષત્રોમાં પુષ્ય આઠમો નક્ષત્ર છે. આ નક્ષત્રના ઉદય થવા પર જયોતિષી શુભ કાર્ય કરવાની સલાહ આપે છે.
પુષ્ય નક્ષત્ર દરમિયાન ચંદ્ર કર્ક રાશીમાં સ્થિત હોય છે. બાર રાશીઓમાંના એકમાત્ર કર્ક રાશીનો સ્વામી ચંદ્ર છે. ચંદ્ર ધનનો દેવતા છે. એટલા માટે પુષ્ય નક્ષત્રને ધન માટે પવિત્ર માનવામાં આવે છે. આ નક્ષત્ર એ ઉર્જાશકિત પ્રદાન કરતો નક્ષત્ર છે. તેમજ પુષ્યને નક્ષત્રનો રાજા પણ કહેવામાં આવે છે. આ નક્ષત્રમાં કરેલા કાર્યો દોષમુકત હોય છે અને જલ્દીથી સફળ થાય છે.
આમ, જોઇએ તો દિવાળી પુર્વે આવતા પુષ્ય નક્ષત્રથી જ દિવાળીના તહેવારની શરૂઆત થઈ જતી હોય છે. લોકો જમીન, મકાન, સોના, ચાંદી, ખરીદી છે તેમજ આજના દિવસે પુજા કરે છે. એટલે ઉત્સવ, ઉમંગ, વાતાવરણમાં પ્રસરે છે અને ચોતરફ દિવાળીના પર્વને લઇને ઉત્સાહ છલકાવવા લાગે છે ત્યારબાદ એકાદશી, ધનતેરસ, દિવાળીના પર્વે અને પછી નવું વર્ષ તેમજ ભાઈબીજથી પાંચમ સુધી સળંગ સારાને મોટા દિવસો માનવામાં આવે છે.