જામનગર શહેરમાં રહેતાં યુવકના માતા-પિતા બાઈક પર ખંભાળિયા ગેઈટ પાસે ન્યુ સ્કૂલ નજીકથી પસાર થતા હતાં તે દરમિયાન પુરપાટ આવી રહેલી જામનગરની કારના ચાલકે બાઈકને ઠોકર મારતા ઈજાગ્રસ્ત આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેમજ મૃતકની પત્નીને ઈજાઓ થઈ હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં રહેતાં બિમલભાઈ કનખરા નામના આધેડ તેમના પત્ની સાથે ગત તા. 2 ના રોજ મધ્યરાત્રિના પોણા વાગ્યાના અરસામાં ખંભાળિયા ગેઈટ પાસેની ન્યુ સ્કુલ નજીકથી બાઇક પર જતાં હતા તે દરમિયાન જીજે-10-ડીઆર-9992 નંબરની સફેદ કલરની કારના ચાલકે તેની કાર પૂરઝડપે બેફીકરાઇથી ચલાવી આધેડના બાઈકને ઠોકર મારી હડફેટે લેતા બાઈકસવાર દંપતી નીચે પટકાયું હતું. જેમાં બિમલભાઈને શરીરે અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમજ તેમના પત્નીે ામાન્ય અને મુંઢ ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જ્યાં શુક્રવારે સાંજે બિમલભાઈ કનખરા નામના આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર દેવાંશભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એલ બી જાડેજા તથા સ્ટાફે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


