ખંભાળિયામાં રહેતા એક જાણીતા વેપારી ગઈકાલે ગુરુવારે પોતાની દુકાન વધાવીને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં બે શખ્સોએ તેમને આંતરી અને પછાડી દીધા બાદ તેમની પાસે રહેલી રોકડ રકમ સાથેની થેલી લૂંટીને નાસી ગયાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસ સ્ટેશન નજીક જ બનેલા આ બનાવથી શહેરભરમાં ભારે ચર્ચા મચી જવા પામી છે.
પોલીસ સૂત્રોમાં જાહેર કરવામાં આવેલી આ પ્રકરણની વિગત એવી છે કે ખંભાળિયામાં રામનાથ સોસાયટીમાં રહેતા અને અહીંના જોધપુર ગેઈટ પાસે દુકાન ધરાવતા જાણીતા વેપારી અશોકભાઈ થાવરદાસ ગોકાણી (અશોકભાઈ નેતા) નામના 64 વર્ષના વેપારી ગઈકાલે ગુરુવારે રાત્રિના આશરે 9:30 વાગ્યાના સમયે તેમની દુકાનેથી તેમનાથી જી.જે. 37 એ 1167 નંબરના એકટીવા મોટરસાયકલ પર બેસીને ઘરે જઈ રહ્યા હતા.
તેઓ પોલીસ સ્ટેશન નજીક આવેલી એસ.એન.ડી.ટી. શાળાની પાછળના ભાગે કુંભાર પાડા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એકાએક 20 થી 22 વર્ષના બે શખ્સો તેમની પાસે આવ્યા હતા અને પોતાનો સમાન ઈરાદો પાર પાડવાના હેતુથી આરોપીઓએ અશોકભાઈ ગોકાણીને ધક્કો મારીને મોટરસાયકલ પરથી પછાડી દીધા હતા. અહીં અશોકભાઈ કંઈ સમજે તે પહેલા તેમની પાસે રહેલી થેલી ઝૂંટવીને નાસી ગયા હતા. આમ, બે અજાણ્યા શખ્સોએ તેમને પછાડીને ઈજાઓ કરી, રૂપિયા 73,660 ની રોકડ રકમ તેમજ દુકાનના રોજમેળ સહિતનો મુદ્દામાલ લૂંટી ગયા હોવાની ધોરણસર ફરિયાદ અશોકભાઈ થાવરદાસ ગોકાણી દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવી છે.
આ બનાવ બનતા અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ એલ.સી.બી. અને એસ.ઓ.જી. સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને નાસી છૂટેલા બે લૂંટારુઓનું પગેરું મેળવવા નજીકના વિસ્તારના સીસીટીવી કેમેરા ચકાસવા તેમજ નાકાબંધી કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશન નજીક જાણીતા વેપારીની થયેલી લૂંટના આ બનાવે શહેરભરમાં ભારે ચર્ચા પ્રસરાવી છે.