જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા ગામની ગોલાઈ નજીક સાંજના સમયે પૂરપાટ આવી રહેલા ટ્રકના ચાલકે બાઈકસવારને ઠોકરે ચડાવતા પાછળ બેસેલા તરૂણનું ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, સાવનભાઈ મારુ નામનો યુવક તેના જીજે-10-ઈએ-7920 નંબરના બાઈક પર તેના મિત્ર વિવેક કિશોર સાથે જામનગર તાલુકાના ફલ્લા ગામ નજીક આવેલી ગોલાઈ પાસેથી પસાર થતો હતો તે દરમિયાન સાંજના સમયે પૂરપાટ બેફીકરાઇથી આવી રહેલા જીજે06બીટી 5018 નંબરના ટ્રકચાલકે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા બાઈકસવાર સાવનભાઈને શરીરે તથા માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે પાછળ બેસેલા વિવેક અનિલભાઈ કિશોર (ઉ.વ.16) નામના તરૂણનું માથુ ટ્રકના તોતિંગ વ્હીલ હેઠળ ચગદાઈ જતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પીએસઆઈ એ.આર. પરમાર તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી તરૂણના મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પિતા અનિલભાઈના નિવેદનના આધારે ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.