જામનગર તાલુકાના સિક્કા ગામની ટીપીએસ કોલોનીમાં ગરબી જોવા ગયેલા યુવાનને કારની બાજુમાંથી નિકળ્યાનો ખાર રાખી બે શખ્સોએ માર મારી જેમફાવે તેમ ગાળો કાઢી જાતિ પ્રત્યે અપમાનિત કર્યાના બનાવમાં પોલીસે એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતો અને ડ્રાઇવીંગ કરતો ભરતભાઇ નારણભાઇ પરમાર નામનો યુવાન શુક્રવારે રાત્રીના સમયે ટીપીએસ કોલોનીમાં ગરબી જોવા ગયો હતો તે દરમિયાન ગેઇટ પાસે ક્રિપાલસિંહ બનેસંગ કંચવાની નંબર પ્લેટ વગરની કાર પાસેથી ભરત નિકળ્યો હતો. તેનો ખાર રાખી ગરબી જોઇ પરત ફરેલા ભરત પરમારની બોલેરો કારને ઓવરટેઇક કરી આંતરી લીધી હતી અને ક્રિપાલસિંહે ભરતને ફડાકા ઝિંક્યા હતાં. તેમજ ક્રિપાલસિંહનો સંબંધી પ્રેમદીરસિંહ બ્રિજરાજસિંહ જાડેજાએ નંબર વગરની બાઇક પર આવી બંને શખ્સોએ એક સંપ કરી ભરતને આડેધડ ફડાકા ઝિંકી અમારી ઉપર બોલેરો ચડાવ્યો છે તો મારી નાખશું તેવી ધમકી આપી હતી અને ત્યારબાદ જેમફાવે તેમ અપશબ્દો બોલીસ જાતિ પ્રત્યે અડધૂત કર્યો હતો. આ અંગેની ભરત પરમાર દ્વારા જાણ કરાતાં એસસીએસટી સેલના ડીવાયએસપી દ્વારા બંને શખ્સો વિરુધ્ધ એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.