જામનગર શહેરના ઉદ્યોગનગરમાં બ્રાસપાર્ટના કારખાનામાંથી અજાણ્યા શખ્સ દ્વારા 242 કિલો બ્રાસપાર્ટનો પીતળનો તૈયાર માલ તથા કાચો માલ સહિત કુલ રૂા.1,33,680 ની ચોરી થયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ, મોહનનગર બ્લોક નંબર 42 માં રહેતાં મનસુખભાઈ ગોવિંદભાઈ મુંગરા નામના વેપારીનું જામનગર શહેરમાં ઉદ્યોગનગર 49 રોડ પર કોર્પોરેશનના પમ્પની બાજુમાં પ્રમુખ એન્ટરપ્રાઈઝના નામથી બ્રાસપાટનું કારખાનું આવેલ છે. જેમાં ગત તા.23 સપ્ટેમ્બરના રોજ અજાણ્યા શખ્સો કારખાનાના સટ્ટરમાં લગાડેલ તાળા કટરથી તોડી કારખાનામાં પ્રવેશ્યા હતાં અને કારખાનામાં રાખેલ બ્રાસપાર્ટનો પીતળનો તૈયાર માલ તથા કાચો માલ અને પીતળનો છોલ તથા ઠોંડીયા સહિત કુલ 242 કિલો રૂા.1,33,680 ના મુદ્દામાલની ચોરી કરી નાશી ગયા હતાં. આ અંગે મનસુખભાઈ દ્વારા સિટી સી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પીએસઆઇ આર.ડી. ગોહિલ સહિતના સ્ટાફ દ્વારા આ વિસ્તારમાંથી સીસીટીવી ફુટેજ મેળવી તસ્કરોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.