જામનગર-રાજકોટ હાઈ-વે પર ભારત પેટ્રોલ પંપમાં કલર કામ કરતી વખતે સીડી પરથી પટકાતા યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. કાલાવડના ખંઢેરા ગામમાં આવેલ ફુલઝર નદીમાં ડૂબી જતા બાળકનું મૃત્યુ નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, મુળ મધ્યપ્રદેશના અજયગઢ તાલુકાના રામપરના અને હાલ રાજકોટ નવાગામ રહેતો શાહરૂખખાન મુસ્તાકખાન ખાન નામનો 28 વર્ષનો યુવાન ગત તા.5 ના રોજ જામનગર-રાજકોટ હાઈ-વે ઉપર આવેલ દેવકૃપા હોટલ સામે ભારત પેટ્રોલ પંપમાં કલર કામ કરતો હતો આ દરમિયાન સીડી પરથી પડી જતાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ઝબારખાન જમાલખાન ખાન દ્વારા પોલીસને જાણ કરાતા પંચકોશી એ ડીવીઝનના હેકો એચ. જે. જાડેજા સહિતના સ્ટાફે મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, મહિલાસુર જિલ્લાના સંતરામપૂર તાલુકાના ડોળી ગામના અને હાલ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં રહેતાં યુવરાજ અરવિંદભાઈ ડામોર નામનો નવ વર્ષનો બાળક તા.6 ના રોજ બપોરના સમયે તેમની વાડીએથી બાજુમાં આવેલ ફુલઝર નદીએ ન્હાવા ગયો હતો. ત્યારે નદીના ઉંડા પાણીમાં ડુબી જતા ગરકાવ થઈ ગયો હતો જેની ફાયર વિભાગ તથા સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન તા.7 ના રોજ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે અરવિંદભાઈ ડામોર દ્વારા પોલીસને જાણ કરાતા કાલાવડના હેકો વી.જે. જાદવ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.