- Advertisement -
કાલાવડ તાલુકાના રણુજા ગામમાં રહેતાં એક રીક્ષાચાલકને લગ્નની લાલચે રૂા.4,60,000 ગુમાવ્યાનું પોલીસ ચોપડે ગુનો નોંધાતા પોલીસ દ્વારા લુંટેરી દુલ્હન સહિતના ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી. જામનગર શહેરના એક યુવાનને લગ્નની લાલચ આપી રૂા.1,60,000 પડાવી લઇ છેતરપિંડી આચરી હોવાનો બીજો બનાવ લૂંટેરી દુલ્હન સહિત ત્રણ મહિલાઓ વિરૂધ્ધ ગુનો નોંધાયો છે.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામમાં રહેતાં અને રીક્ષા ડ્રાઈવિંગ કરતા ચેતન સીંધાભાઈ મકવાણા (ઉ.વ.30) નામના યુવાને પોતાની સાથે લગ્નની લાલચ આપી રૂા.4.60 લાખ પડાવી લઇ છેતરપિંડી કરવા અંગે લુંટેરી દુલ્હન એવી દરેડ ગામમાં રહેતી મીના ટાંક ઉ5રાંત દલાલની ભૂમિકા ભજવનારા બજરંગપુર ગામના બાબુભાઈ ગમારા તથા કન્યાના ભાઈની ઓળખ આપીને નાણા પડાવી લેનાર કાના બાંભવા અને દુદા ટોયટા સહિત કુલ ચાર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપીઓએ એકસંપ કરીને ફરિયાદી તથા ફરિયાદીના પિતાને ફરિયાદી ચેતનભાઈના લગ્ન કરાવી આપવા માટે કટકે-કટકે રૂા.4,60,000 પડાવી લીધા હતાં અને ફરિયાદીના લગ્ન હિન્દુ વિધી મુજબ નહીં કરાવી આપી ફરિયાદીને એક પણ રૂપિયો પરત આપ્યો ન હતો. આ અંગે કાલાવડ ટાઉન પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના કિશાન ચોક કબીરહાઉસ એપાટર્મેન્ટ સામે રહેતા વિકી પ્રવિણભાઈ નંદાને લગ્ન કરવા હોય, સીમા રાજેશ જોશી તથા શીલા દિપક મહેતા નામના બે દલાલોએ ફરિયાદીના લગ્ન મુંબઇના મલાડમાં રહેતી આરતી જાગેશ્વર નરેન્દ્ર કોનેકર નામની યુવતી સાથે લગ્ન કરાવવાના રૂા.1,60,000 પડાવી લઇ લૂંટેરી દુલ્હન આરતીને ભગાડી દઇ ફરિયાદી સાથે લગ્નની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યા અંગે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ અંગે પોલીસ દ્વારા ત્રણ મહિલાઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
- Advertisement -