દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ નવરાત્રી પર્વને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એલસીબી પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં સધન તપાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા ગઈકાલે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયા અને હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે રહેતા ગઢવી નાગાજણ ઉર્ફે નાગડો રણમલ સંધીયા (ઉ.વ. 45) દ્વારા પોતાના કબજામાં રાખવામાં આવેલું દેશી બનાવટનું હથિયાર (પિસ્ટલ) પોલીસે કબજે કર્યું હતું.
આ પ્રકરણમાં રૂપિયા 25000 ની કિંમતની પિસ્ટલ, રૂપિયા 700 ની કિંમતના સાત નંગ કાર્ટીજ તેમજ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 26,200 ના મુદ્દામાલ સાથે તેની અટકાયત કરી હથિયારધારાની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ અર્થે તેનો કબજો કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. આ પ્રકરણમાં રાજુ નામના પરપ્રાંતિય શખ્સનું નામ પણ ખુલવા પામ્યું છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એ.એલ. બારસીયા, એસ.એસ ચૌહાણ, પી.જે. ખાંટ, એસ.વી. કાંબલિયા, અરજણભાઈ ચંદ્રવાડીયા, વિપુલભાઈ ડાંગર, સજુભા જાડેજા, અરજણભાઈ મારૂ, ડાડુભાઈ જોગલ, ખીમાભાઈ કરમુર, ગોવિંદભાઈ કરમુર, લાખાભાઈ પિંડારિયા, સચિનભાઈ નકુમ, હસમુખભાઈ કટારા તેમજ વિશ્વદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.