Monday, December 30, 2024
Homeરાજ્યજામનગરનવલા નોરતાનો પ્રારંભ: ગરબે ઘૂમવા ખેલૈયાઓમાં અનેરો થનગનાટ

નવલા નોરતાનો પ્રારંભ: ગરબે ઘૂમવા ખેલૈયાઓમાં અનેરો થનગનાટ

જામનગર શહેરમાં અંદાજિત 300 થી વધુ સ્થળોએ પ્રાચિન ગરબીઓનું આયોજન: પંચેશ્વરટાવર, લીમડાલાઈન, પટેલકોલોની, રણજીતનગર સહિતના વિસ્તારોમાં ઉમટશે જનમેદની : છેલ્લાં બે માસથી વધુ સમયથી ગરબીની પ્રેકટીસો કરતી બાળાઓ: ગરબી મંડપોમાં રોશનીનો શણગાર: અર્વાચિન ગરબીઓમાં યુવાધન ઉમટશે : પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે

- Advertisement -

માઁ આદ્યશક્તિની આરાધનાના પર્વ એવા નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે. આજથી નવ દિવસ સુધી ઠેર-ઠેર માતાજીની આરાધના થશે જામનગર શહેરમાં અંદાજિત 300 થી વધુ સ્થળોએ પ્રાચિન ગરબી તેમજ અંદાજિત 10 થી 15 સથળોએ અર્વાચિન ગરબા ઉત્સવના આયોજનો થશે. મોડીરાત્રિ સુધી માતાજીના ગરબાનો ધમધમાટ જોવા મળશે. નવરાત્રિ પર્વને લઇ આજે વહેલીસવારથી જ શહેરીજનો માતાજીના ગરબા, ચૂંદડી, હાર સહિતની ખરીદીઓમાં લાગી ગયા હતાં.

- Advertisement -

જામનગર સહિત હાલાર પંથક આજથી નવ દિવસ સુધી માતાજીની ભક્તિના રંગે રંગાશે. છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં નવલા નોરતાને લઇ માતાજીના ભકતોમાં થતા ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ છવાયો છે. આજથી નવરાત્રિનો પ્રારંભ થયો છે. છેલ્લાં લગભગ એકાદ સપ્તાહથી જામનગર શહેર નવરાત્રિના રંગે રંગાઈ ચૂકયો છે શહેરમાં વિવિધ સમાજો જ્ઞાતિ મંડળો તેમજ સંસ્થાઓ દ્વારા વેલકમ નવરાત્રિના આયોજનો થયા હતાં. ત્યારે આજથી નવરાત્રિનો પ્રારંભ થતા નવ દિવસ સુધી છોટીકાશી માતાજીના રંગે રંગાયેલું જોવા મળશે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન ગરબા સ્થાપનનું અનેરુ મહત્વ છે. લોકો મંદિરોમાં તથા ઘરોમાં માતાજીના ગરબાનું સ્થાપન કરે છે. જામનગર શહેરમાં વિવિધ સ્થળોએ અવનવા ડિઝાઈનવાળા માતાજીના ગરબાનું વેંચાણ થઈ રહ્યું છે. આજે સવારથી જ બહેનો માતાજીના ગરબા લેવામાં વ્યસ્ત રહી હતી. માતાજીના માટીના ગરબાની સાથે સાથે ધૂપ, દિપ, અગરબતી, ચૂંદડી, હાર સહિતની અનેક ચીજવસ્તુઓના વેંચાણમાં આજે સવારથી જ લોકોની ભારે ભીડ જામી હતી.

જામનગર શહેરમાં અનેક સ્થળોએ પરંપરાગત ગરબીઓના આયોજન થાય છે. જામનગર શહેરના સાત રસ્તા પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાતી સરગમ નવરાત્રિ મહોત્સવ, લીમડાલાઈન વિસ્તારમાં વર્ષોથી યોજાતી ભારત માતા ગરબી, પંચેશ્વરટાવર વિસ્તારમાં લગભગ ચાર થી પાંચ જેટલી ગરબીઓ, રણજીતનગરમાં પટેલસમાજની કુમારોની ગરબી, હાથી કોલોનીમાં આશાપુરા ગરબી મંડળ, પટેલ કોલોની શેરી નંબર 6 માં શ્રી મોમાઈ ગરબી મંડળ સહિત અનેક ગરબીઓ જામનગરની પ્રખ્યાત છે. આ ગરબીઓમાં વિવિધ વેશભૂષાવાળા રાસ, મહિષાસુર વધ જેવા પ્રસંગો, સળગતી ઈંઢોણીના રાસ, મસાલ રાસ, તલવાર રાસ સહિતના અનેક રાસ પ્રચલિત છે. જેને નિહાળવા શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટતા હોય છે. આ ઉપરાંત જામનગર શહેરમાં ભોયવાડો, ચૌહાણ ફળી, દેવુભાનો ચોક, કડિયાવાડ, લીમડાલાઈન, પટેલ કોલોની, રામેશ્વરનગર, ખોડિયાર કોલોની, ગાંધીનગર, મચ્છરનગર, નવાગામ ઘેડ, દિગ્વીજય પ્લોટ, સાધના કોલોની, પટેલ પાર્ક સહિતના અનેક વિસ્તારોમાં નાની મોટી અનેક ગરબીઓના આયોજનો થાય છે. જેમાં બાળાઓ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે. આ ગરબી મંડળની બાળાઓ છેલ્લાં બે થી ત્રણ માસથી વિવિધ ગરબાઓની પ્રેકટીસ કરે છે.

- Advertisement -

આ પ્રાચિન ગરબીઓની સાથે સાથે જામનગર શહેરની ભાગોળે વિવિધ પાર્ટી પ્લોટોમાં રાસોત્સવના પણ આયોજનો થાય છે. એક અંદાજ મુજબ જામનગર શહેર લગભગ 10 થી 15 જેટલા અર્વાચિન આયોજનો થયા છે. જેમાં યુવાધન હિલોળે ચડશે અને ડીજેના તાલે ખેલૈયાઓ ગરબા રમશે. નવરાત્રિને લઇ શહેરીજનો સલામતીપૂર્વક નવરાત્રિનો આનંદ લઇ શકે તે માટે જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની આગેવાની હેઠળ પોલીસ તંત્ર પણ સજ્જ થઈ ગયું છે અને રાત્રિના સમયે વિવિધ ગરબીઓ નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. જેથી કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને પોલીસ દ્વારા સલામતીના ભાગરૂપે તકેદારીનો પ્લાન ઘડી લેવામાં આવ્યો છે.

જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં યોજાતી પ્રાચિન ગરબીઓમાં આકર્ષક મંડપો તથા રોશનીનો શણગાર પણ કરવામાં આવ્યો છે. રાત્રિના સમયે રોશનીના શણગારથી અનેક વિસ્તારોમાં અનેરો ઝગમગાટ જોવા મળી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular