જામનગર જિલ્લા વર્ષ 2011ના એસીબી કેસમાં ભ્રષ્ટાચાર નિવારણની કલમો હેઠળ એસીબી કોર્ટે કાલાવડના સરકારી ડોકટરને અને 2012ના એસીબી કેસમાં જિલ્લા પુરવઠા વિભાગના તત્કાલિન ઝોનલ અધિકારીને એક-એક વર્ષની જેલ સજા અને રૂા. 10-10 હજાર દંડનો હુકમ ફરમાવ્યો છે.
ચૂકાદાની વિગત મુુજબ એસીબીના પ્રથમ કેસમાં કાલાવડ તાલુકાના ખરેડી ગામના પીએચસીમાં સર્વિસમાં તા. 15 જુલાઇ-2011ના રોજ મુકાયેલા નવા એક યુવા ડોકટર ઘરે સામાન લેવા ગયા હોવાને કારણે તા. 21થી 29 જુલાઇ સુધી ગેરહાજર રહ્યા હતાં. તેનો આટલા દિવસના પગાર બિલ પેટે લાંચની માગણીની જુનિયર ડોકટરે તા. 13-9-2011ના રોજ એસીબીની ટ્રેપમાં કલ્પેશ દેસાઇ નામનો પકડાયો હતો. આ કેસ અહીંની એસીબી કોર્ટમાં ચાલી જતાં એસીબી અદાલતે તા. 6 સપ્ટે.ના રોજ સરકારી ડો. દિપક દુલેરાને એક વર્ષની સજા અને રૂા. 10 હજારનો દંડનો હુકમ ફરમાવ્યો હતો.
જ્યારે બીજા કેસમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકે તા. 25-9-2012ના રોજ હેરાનગતિ નિવારવા પુરવઠા ઝોનલ અધિકારી ચેતન ઉપાધ્યાય સામે લાંચની માગણીની ફરિયાદ કરી હતી. એસીબીએ ઝોનલ અધિકારીને રંગેહાથ પકડી પાડયો હતો. આ કેસ પણ અદાલતમાં ચાલી જતાં અદાલતે તા. 9 સપ્ટે.ના રોજ ઝોનલ અધિકારીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ હેઠળ એક વર્ષની સાદી કેદની સજા અને રૂા. 10 હજાર દંડનો હુકમ ફરમાવ્યો હતો.