પર્યૂષણ પર્વ ચાલી રહ્યાં છે. ત્યારે આજે પાંચમા દિવસે મહાવીર જન્મ કલ્યાણક ઉજવવામાં આવે છે. ત્યારે પ્રથમ સવારે જ્યોતિ-વિનોદ ઉપાશ્રયમાં ચાર્તુમાસ બિરામાન પ.પૂ. હેમન્તવિજયજી મ.સા. તથા પ.પૂ. દેવરક્ષિત મ.સા.ની નિશ્રામાં આજે હેમન્તવિજયજી મ.સા.એ વ્યાખ્યાન ફરમાવ્યું હતું. વ્યાખ્યાનમાં ભાઇઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યારબાદ મહારાજસાહેબની નિશ્રામાં મહાવીર ભગવાનના માતા ત્રિશલાને 14 સ્વપ્નો આવે છે. તેની ઉછામણી બોલવામાં આવી હતી. જેનો લોકોએ ઉત્સાહભેર લાભ લીધો હતો. આ ઉપરાંત શહેરના પેલેસ જિનાલયની બાજુમાં આવેલ ઉપાશ્રયમાં, પટેલ કોલોનીમાં આવેલ શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય સંચાલિત આરાધના ભવન ઉપાશ્રયમાં સ્વપ્નની ઉછામણી બોલવામાં આવી હતી. દિગ્વિજ્ય પ્લોટમાં આવેલ ઉપાશ્રયોમાં પણ મહાવીર જન્મ કલ્યાણક ઉજવાયો હતો. આ ઉપરાંત શહેરના અનેક ઉપાશ્રયોમાં સ્વપ્ન ઉતારવામાં આવ્યા હતાં.