ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર આવેલા યમુના પેટ્રોલ પંપ પાસે રવિવારે રાત્રે રાત્રે ભભુકી ઉઠેલી ભીષણ આગમાં એક મોટરકાર અને બે બાઈક સહિત ત્રણ વાહનો સંપૂર્ણપણે સળગી જવા પામ્યા હતા. આ આગના કારણે એક તબીબની મોટરકાર તેમજ બે મોટરસાયકલ સળગી જતા રૂપિયા 4.45 લાખની નુકસાની થયાનું ખુલવા પામ્યું છે.
આગના આ સમગ્ર બનાવ અંગે સીસી ટીવી ફૂટેજના આધારે અહીંના પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ પોલીસે જુદી જુદી કલમ હેઠળ પેટ્રોલ પંપના સંચાલક તેમજ તેમના બે કર્મચારીઓ સહિતના શખ્સો સામે ગુનો નોંધી, આ પ્રકરણમાં પેટ્રોલ પંપ સંચાલક ધીરેન તુલસીભાઈ બારાઈ, જીગર પ્રકાશ રાઠોડ, અનુપકુમાર શ્યામસુંદર રાજભર (મૂળ રહે. બિહાર), પપુકુમાર લાલનરાય રાય (મૂળ રહે. બિહાર) અને ખંભાળિયામાં કુંભાર પાડો વિસ્તારમાં રહેતા આ વિસ્તારમાં વાણંદ કામની દુકાન ધરાવતા કૌશિક ધીરુભાઈ રાઠોડ નામના પાંચ શખ્સોની અટકાયત કરી, તેઓને કાયદાનું ભાન કરાવ્યું હતું.
આ પ્રકરણમાં આગળની તપાસ પી.આઈ. બી.જે. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. આર.જી. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી હતી.