જામનગર શહેરના પટણીવાડ વિસ્તારમાં રાત્રિના સમયે બેસેલા યુવકને કોંગ્રેસનાં કોર્પોરેટર સહિતના બે શખ્સોએ જેમ ફાવે તેમ ગાળો કાઢી ફડાકા મારી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે કોર્પોરેટર સહિતના બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના કાલાવડ નાકા બહાર રંગમતિ સોસાયટીમાં રહેતાં અને મકાની રેંકડી ચલાવતા શાહનવાઝ શકીલ ચૌહાણ નામનો યુવક ગત તા.16 ના રોજ રાત્રિના સમયે પટણીવાડમાં સદામ હોટલ પાસે બેઠો હતો તે દરમિયાન કોંગ્રેસનાં કોર્પોરેટર અસલમ ખીલજી અને મહમદ ઉર્ફે મમલો અખ્તર પંજા નામના બે શખ્સોએ આવીને શાહનવાઝને જેમફાવે તેમ ગાળો કાઢી હતી અને અહીં પટણીવાડમાં કેમ આવ્યો છે? તેમ કહી ફડાકા ઝીંકયા હતાં ત્યારબાદ બંને શખ્સોએ ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલો કરી ધમકી આપ્યાના બનાવ અંગેની શાહનવાઝ દ્વારા જાણ કરાતા પીએસઆઇ ડી જી રામાનુજ તથા સ્ટાફે કોર્પોરેટર અસલમ ખીલજી સહિતના બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.