જામનગર જિલ્લમાં સાતમ-આઠમના તહેવાર દરમિયાન અતિભારે વરસાદ બાદ મેઘરાજાએ વિરામ રાખ્યો હતો અને ત્યારબાદ છેલ્લાં 24 કલાક દરમિયાન મોટી ભલસાણમાં બે ઇંચ અને અલિયાબાડા, પાંચદેવડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં એક ઈંચ જેટલું પાણી વરસાવ્યું હતું અને જોડિયામાં પોણો ઈંચ તથા જામનગર, ધ્રોલ અને કાલાવડમાં સામાન્ય ઝાપટાં પડયા હતાં. ઉપરાંત દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ધીમીધારે પોણો ઈંચ જેટલું પાણી વરસાવી દીધું હતું.
હવામાન વિભાગની આગાહી મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં છુટાછવાયા ઝાપટા વરસી રહ્યા છે અને જેમાં છેલ્લાં 24 કલાક દરમિયાન સૌથી વધુ જામનગર તાલુકાના મોટી ભલસાણમાં બે ઈંચ જેટલો વરસાદ પડયો હતો તેમજ કાલાવડના મોટા પાંચદેવડા અને જામનગર તાલુકાના અલિયાબાડા, જામવથણલી, મોટી બાણુંગારમાં સવા-સવા ઈંચ પાણી વરસ્યું હતું તેમજ ધ્રોલના જાલિયાદેવાણી અને જામનગરના દરેડ, ફલ્લામાં એક-એક ઈંચ અને ભણગોર, સમાાણા, બાલંભા, પીઠડ, લાખાબાવળમાં સામાન્ય ઝાપટા પડયા હતાં તથા જોડિયામાં પોણો ઈંચ અને ધ્રોલ, કાલાવડ તથા જામનગર શહેરમાં સામાન્ય ઝાપટા પડયા છે.
ખંભાળિયા શહેરમાં પાંચેક દિવસના મેઘ વિરામ બાદ ગઈકાલે સાંજે પુન: ઘટાટોપ વરસાદી માહોલ છવાયો હતો અને સાંજે આશરે સાતેક વાગ્યાથી ધીમીધારે શરૂ થયેલા વરસાદે વેગ પકડ્યો હતો અને રાત્રી સુધીમાં પોણો ઈંચ જેટલો (15 મી.મી.) વરસાદ વરસાવી દીધો હતો. જેના પગલે શહેરના જુદા જુદા માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા. જો કે ત્યાર બાદ વરસાદી બ્રેક રહી હતી.
કલ્યાણપુર તાલુકામાં હળવા ઝાપટા રૂપે 2 મી.મી. વરસાદ નોંધાયો છે. મોસમનો કુલ વરસાદ ખંભાળિયામાં 2174 મી.મી. (87 ઈંચ), દ્વારકામાં 2199 મી.મી.(88 ઈંચ), કલ્યાણપુરમાં 1952 મી.મી. (78 ઈંચ) અને ભાણવડમાં 1428 મી.મી. (57 ઈંચ) સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 252.21 ટકા નોંધાયો છે.