ખંભાળિયા શહેરમાં પાંચેક દિવસના મેઘ વિરામ બાદ ગઈકાલે સાંજે પુન: ઘટાટોપ વરસાદી માહોલ છવાયો હતો અને સાંજે આશરે સાતેક વાગ્યાથી ધીમીધારે શરૂ થયેલા વરસાદે વેગ પકડ્યો હતો અને રાત્રી સુધીમાં પોણો ઈંચ જેટલો (15 મી.મી.) વરસાદ વરસાવી દીધો હતો. જેના પગલે શહેરના જુદા જુદા માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા. જો કે ત્યાર બાદ વરસાદી બ્રેક રહી હતી.
કલ્યાણપુર તાલુકામાં હળવા ઝાપટા રૂપે 2 મી.મી. વરસાદ નોંધાયો છે. મોસમનો કુલ વરસાદ ખંભાળિયામાં 2174 મી.મી. (87 ઈંચ), દ્વારકામાં 2199 મી.મી.(88 ઈંચ), કલ્યાણપુરમાં 1952 મી.મી. (78 ઈંચ) અને ભાણવડમાં 1428 મી.મી. (57 ઈંચ) સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 252.21 ટકા નોંધાયો છે.