જામનગર શહેર અને જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યા બાદ વરસાદી પાણી ભરાવાના કારણે વ્યાપક નુકસાની થઈ છે જેથી મહાનગરપાલિકા દ્વારા દરેક વોર્ડ વાઈઝ નુકસાનીની સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સર્વે કામગીરી દરમિયાન ગઈકાલે શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવાનને હૃદયરોગનો હુમલો આવતા તેનું મોત નિપજ્યું હતું.
આ બનાવની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ છે તેમજ વરસાદી પાણી શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભરાયા હોવાથી પારાવાર નુકસાની થઈ છે. આ નુકસાની સંદર્ભે જામનગર મહાનગરપાલિકા દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોની સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને દરેક વોર્ડવાઈઝ આ સર્વે કામગીરી હાથ ધરાતા ગઈકાલે સાંજે ચાર વાગ્યાના અરસામાં વાણિયા ગામની પ્રાયમરી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને મંત્રી મનસુખ માંડવીયાના ભત્રીજા કલ્પેશભાઇ ભીખાભાઈ માંડવીયા (ઉ.વ.42) નામના શિક્ષક રણજીતસાગર રોડ પર વૃજવાટિકા -2 માં સાંજે 4 વાગ્યાના અરસામાં સર્વે કામગીરી કરતા હતાં તે દરમિયાન એકાએક કલ્પેશભાઈને હાર્ટએટેક આવતા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.