પર્યૂષણ મહાપર્વની શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે જામનગર શહેરના જિનાલયો તથા ઉપાશ્રયોમાં ધર્મની હેલી શરૂ થઇ છે. દેરાવાસી જૈનોના શનિવારથી પર્યૂષણ પર્વ શરુ થયા છે. જ્યારે સ્થાનકવાસીના રવિવારથી શરુ થયા છે. શહેરના જિનાલયોમાં પ્રથમ દિવસે ભગવાનની સવારે પૂજા કર્યા બાદ ઉપાશ્રયમાં વ્યાખ્યાનો સાંભળી ધન્યતા અનુભવી હતી. ઉપાશ્રયોમાં સવારે તથા બપોરે સાધુ-સાધ્વી મહારાજ સાહેબોના વ્યાખ્યાનોનો લોકો લાભ રહ્યાં છે. તપશ્ર્ચર્યા પણ બહોળા પ્રમાણમાં થઇ રહી છે. શહેરના શેઠજી દેરાસર સંચાલિત જ્યોતિ-વિનોદ ઉપાશ્રયમાં બિરાજમાન પ.પૂ. હેમન્તવિજયજી મ.સા. તથા પ.પૂ. દેવરક્ષિતવિજયજી મ.સા.ની નિશ્રામાં ભાઇઓ-બહેનો, બાળકો તપશ્ચર્યા તથા પ્રતિક્રમણ દરરોજ સવારે તથા સાંજે કરી રહ્યાં છે. રાત્રીના શહેરના દરેક જિનાલયોમાં વિવિધ આંગીઓ કરવામાં આવી રહી છે. જેના દર્શનનો લાભ બહોળી સંખ્યામાં લોકો રહી રહ્યાં છે. ચાંદીબજાર શેઠજી દેરાસર પટાંગણમાં સુરતના સંગીતકારના રાત્રીના ભાવનામાં સ્તવન સાંભળવા લોકો આવે છે. પેલેસ જિનાલયમાં સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબોની નિશ્રામાં લોકો સવારે વ્યાખ્યાન તથા પ્રતિક્રમણ ભગવાનની પૂજાનો લાભ રહ્યાં છે. આ ઉપરાંત પટેલ કોલોની વિસ્તારમાં આવેલ શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયમાં રાત્રીના આ વિસ્તારમાં રહેતા ભાઇ-બહેનો-બાળકો દ્વારા રાત્રીના 8થી 9 ભાવના ભણાવવામાં આવે છે. આ પેઢી સંચાલિત પટેલ કોલોનીમાં આવેલ આયંબિલ ભુવનમાં ચૌવિહાર હાઉસનો પણ લોકો બહોળી સંખ્યામાં લાભ રહ્યાં છે.