જામનગરની જીલ્લા પંચાયતમાં ડીડીઓની ચેમ્બર બહાર રજૂઆત કરવા આવેલા ગ્રામજનો પૈકીના એક યુવાને ફીનાઈલ ગટગટાવતા દોડધામ મચી ગઈ હતી અને યુવાનને તાત્કાલિક સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ચેલા ગામની સીમ વિસ્તારમાં આવેલી સોસાયટીના સ્થાનિક રહેવાસીઓ દ્વારા ગામના સરપંચ વિરૂધ્ધ આવેદનપત્ર પાઠવવામાં માટે જિલ્લા પંચાયતમાં ડીડીઓને આપવા આવ્યા હતાં આ આવેદનપત્રમાં ચેલા ગામના ગોકુલધામ, પ્રણામી, દ્વારકેશ અને શિવમ સોસાયટીના રહેવાસીઓ માટે નદીમાંથી આવવા જવા માટે ફકત એક જ કોઝવે હતો જે તૂટી ગયો હતો અને વીજથાંભલા પણ પડી ગયા હતાં તેમજ દર ચોમાસામાં કોઝ-વે તૂટી જવાના કારણે ઘરમાં પૂરાઈ રહેવું પડે છે. સરપંચ દ્વારા આ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે. જેના કારણે સરપંચ સામે કાર્યવાહી કરવાની માંગણી કરવા આવ્યા હતાં. તે દરમિયાન વિપુલભાઈ ડાભી નામના યુવાને ડીડીઓની ઓફિસ બહાર જ ફીનાઈલ ગટગટાવતા દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા વિપુલભાઈને જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.