જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ રાઇડો મનોરંજન સ્ટોર, ખાણીપીણીના સ્ટોર લાગી ચૂકયા છે જેને લઇ જામનગર મહાનગરપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા મેળાની મુલાકાત લેવાઈ હતી તેમજ ફાયર શાખા દ્વારા ફાયર સેફટીની પણ તપાસ કરાઇ હતી.
જન્માષ્ટમીના પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજીત શ્રાવણી લોક મેળાને લઇ શહેરીજનોમાં આતુરતા છવાઇ છે. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજીત લોક મેળામાં વિવિધ મનોરંજન રાઈડ, ખાણીપીણીના સ્ટોલ સહિતની તૈયારી થઈ ચૂકી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર સતર્ક જોવા મળી રહ્યું છે અને કોઇપણ જાતની દુર્ઘટના ન સર્જા્ય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી, મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઇ, કોર્પોરેટરો સુભાષભાઈ જોશી, અધિકારીઓ મુકેશભાઈ વરણવા, સુનિલભાઈ ભાનુશાળી, ભાવેશભાઈ જાની સહિતના દ્વારા મેળાની મુલાકાત લેવામાં આવી હતી અને નિરીક્ષણ કર્યુ હતું. આ ઉપરાંત ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઇ દ્વારા મેળાના સ્ટોલોમાં ફાયર સેફટીના સાધનોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ તકે ફાયર શાખાના સ્ટાફ પણ હાજર રહ્યો હતો.