જામનગર તાલુકાના દરેડથી મસીતિયા તરફના રોડ પર જાહેરમાં ગેસના ભરેલા બાટલાઓમાંથી ગેરકાયદેસર રીફીલીંગ કરતા સ્થળે એસઓજીની ટીમે શખ્સને રૂા.21,400 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડથી મસીતિયા તરફ જવાના માર્ગ પર આવેલી શેરીમાં રહેતાં હૈદર ઓસમાણ ખફી નામના શખ્સ દ્વારા ગેરકાયદેસર ગેસ રીફીલીંગ કરાતું હોવાની મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એસઓજીની ટીમે રેઈડ દરમિયાન સેફટીના સાધનો વગર ગેસ ભરેલા બાટલાઓમાંથી ખાલી બાટલાઓમાં રીફીલીંગ કરાતા સ્થળેથી હૈદર ઓસમાણ ખફી પાસેથી ગેસના ખાલી ત્રણ બાટલા તથા ભરેલા ચાર મોટા બાટલા મળી આવ્યા હતાં તથા ઈલેકટ્રીક એસેમ્બર મોટર, પ્લાસ્ટિક પાઈપ, લેગ્યુલેટર, નોઝલ અને ઇલેકટ્રોનીક વજનકાંટો મળી કુલ રૂા.21,400 નો મુદ્દામાલ કબ્જે કરી પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.