જામનગર શહેરના શરૂ સેકશન રોડ પરની શેરીમાં ગાયને રોટલી ખવડાવતા વૃદ્ધાના ગળામાંથી અજાણ્યો શખ્સ 80 હજારના સોનાના ચેઈનની ચીલઝડપ કરી પલાયન થઈ ગયો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર માહિ ડેરીની સામેની શેરીમાં ગોડગીફટ એપાર્ટમેન્ટમાં રહેતાં લતાબેન સુંદરલાલ સુગંધ (ઉ.વ.65) નામના વૃધ્ધા રવિવારે બપોરના 12 વાગ્યાના અરસામાં ઘર નજીક આવેલા શિવદર્શન એપાર્ટમેન્ટ પાસે ગાયને રોટલી ખવડાવવા ગયા હતાં અને તે દરમિયાન ગાય થાળી લેવા દેતી ન હોવાથી નજીકમાં જ ઉભેલા અજાણ્યા શખ્સે ગાયને હટાવી દીધી હતી. જેથી વૃદ્ધા થાળી લેવા જતાં અજાણ્યા શખ્સે વૃદ્ધાના ગળામાં પહેરેલો 4 તોલાનો 80 હજારની કિંમતના સોનાના ચેઈનની ચીલઝડપ કરી પલાયન થઈ ગયો હતો. ચેઈનની ચીલઝડપ થતા વૃધ્ધાએ બુમાબુમ કરી હતી પરંતુ તે પહેલાં જ તસ્કર નાશી ગયો હતો. બાદમાં આ અંગેની જાણ કરાતા પીએસઆઈ ડી.જી. રાજ તથા સ્ટાફે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.