જામનગરમાં આયુર્વેદ કોલેજમાં ફરજ બજાવતા પ્રૌઢાના નામે આવેલા પાર્સલમાં ક્રેડીટ કાર્ડ અને ડ્રગ્સનો જથ્થો આવ્યો હોવાની કસ્ટમ ઓફિસર તથા પોલીસ ઓફિસર તરીકે બોગસ ઓળખ આપી અજાણ્યા ચીટરોએ મની લોન્ડરીંગ અને હ્યુમનટ્રાફિકીંગનો ભય બતાવી 15 લાખની છેતરપિંડી આચર્યાના બનાવમાં પૂર્વ આયોજિત કાવતરુ રચી સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
ડીજીટલ ઈન્ડીયામાં દેશભરમાં ઓનલાઈન ટ્રાન્જેકશનોમાં અનેકગણો ઉછાળો થયો છે. ઓનલાઈન ટ્રાન્જેકશનની સાથે-સાથે ઓનલાઈન છેતરપિંડીનું પ્રમાણ પણ અનેકગણુ વધી ગયું છે તેમાં પણ ખાસ કરીને ભણેલાગણેલા લોકો મોટાભાગે આવી છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ત્યારે જામનગરમાં જ બનેલી એક છેતરપિંડીમાં આયુર્વેદ કોલેજમાં નોકરી કરતા વર્ષાબેન રમણિકલાલ સોલંકી (ઉ.વ.58) નામના પ્રૌઢાને અંદાજે સવા માસ અગાઉ મોબાઇલ નંબર 75673 43807 તથા 60013 69597 નંબરના મોબાઇલ નંબર પરથી વોટસએપમાં વીડિયો કોલ કરી કસ્ટમ તથા પોલીસની ખોટી ઓળખ આપી પૂર્વ આયોજીત કાવતરું કરી પ્રૌઢાના નામે આવેલા પાર્સલમાં ચાર ક્રેડીટ કાર્ડ તથા 170 ગ્રામ એમડીએમએલ ડ્રગ્સ આવ્યાનું જણાવ્યું હતું. તેમજ પ્રૌઢાના આધાર કાર્ડ પરથી કર્ણાટક, દિલ્હી, પંજાબ, તામીલનાડુ અને મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી એચડીએફસી બેંક, એસબીઆઈ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક તથા એકસીસ બેંકમાં એકાઉન્ટ ખુલ્યા હોવાનું જણાવ્યું હતું.
ઠગ ટોળકીએ પ્રૌઢાને વોટસએપ કોલીંગ કરી સરકારી અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી પ્રૌઢાનું આધાર કાર્ડ મની લોન્ડરીંગ અને હ્યુમનટ્રાફિકીંગના ગુનામાં ઉપયોગામાં લેવાયું હોવાનો ભય બતાવી ઠગ ટોળકીએ તમને કોઇ ગુનામાં સંડોવાયેલા નથી તેવું સર્ટીફિકેટ આપવાના નામે અને તમે જે રૂપિયા આપશો તે પરત આવી જશે. ગુનામાં સંડોવાયેલા ન હોવાના સર્ટીફિકેટ માટે પ્રૌઢા પાસેથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એકાઉન્ટ નંબર 43007119523 વાળા ખાતામાંથી રૂા.15 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ પ્રૌઢા દ્વારા સર્ટીફિકેટ માટે તપાસ કરતાં વોટસએપ નંબર ફેક હોવાનું અને છેતરપિંડી થયાનું જણાતા પ્રૌઢાએ સાયબર ક્રાઈમમાં મોબાઇલ નંબરના આધારે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઈ એચ.વી. રાઠોડ તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.