દ્વારકાના વિશ્વ વિખ્યાત જગત મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવવા આવતા હોય છે. દ્વારકાના જગત મંદિરના શિખર ઉપર ધ્વજારોહણનું ખાસ મહત્વ છે. આજે વહેલી સવારથી જ દ્વારકામાં વરસાદની ફરી એક વખત ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને માર્ગો ભીના થયા હતા.
આટલા વરસાદમાં પણ ભક્તોની શ્રદ્ધા અતૂટ રહી હતી. દ્વારકાધીશ જગત મંદિરના શિખર ઉપર કરવામાં આવતું ધ્વજારોહણ એક લાહવો હોય છે. અને ભક્તો સુંદર મજાના તૈયાર થઈ, મહિલાઓ સોળે શણગાર સજી, ધ્વજાજીનું પૂજન કરીને ધ્વજારોહણ કરવા ધ્વજાજીને જગત મંદિર સુધી બેન્ડવાજા સાથે લઈ જવામાં આવે છે.
ત્યારે આજે શરૂ થયેલ વરસાદમાં પણ ભક્તોની અડગ શ્રદ્ધા વચ્ચે ધ્વજારોહણ કરવા ભક્તો નીકળી પડ્યા હતા. જગત મંદિરમાં જગત મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કરવાવાળા સાહસિક અબોટી બ્રાહ્મણો દ્વારા દ્વારકાના જગત મંદિર શિખર પર ચાલુ વરસાદે ધ્વજારોહણ કરવામાં આવ્યું.
ભગવાન દ્વારકાધીશ મંદિરના 56 સીડી સ્વર્ગ દ્વાર પર વરસાદી પાણીનાં ઝરણાં વહેતા થયાના દ્રશ્યો મનમોહક દ્રષ્ટિમાન થયા હતા. આ સાથે 56 સીડી પર વરસાદી પાણીનાં વહેતાં નીરમાં ભક્તો વરસાદી પાણીનો આનંદ લેતા નજરે પડ્યા હતા.